T20 World Cup: ભારત-પાકિસ્તાન મુકાબલા પહેલાં કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે બૅડ ન્યૂઝ!

ન્યૂ યૉર્ક: ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે સરેરાશ એકથી દોઢ વર્ષમાં કોઈ આઇસીસી ઇવેન્ટમાં મુકાબલો થતો હોય છે અને એ માટે લોકો સ્ટેડિયમમાં જઈને મૅચ માણવા કે ટીવી પર પરિવારજનો, મિત્રો સાથે બેસીને મોજ માણવાની દિવસો પહેલાં તૈયારી કરી લેતા હોય છે, પરંતુ જો છેલ્લી ઘડીએ આ જંગ બાબતમાં નકારાત્મક માહિતી બહાર આવે તો સ્વાભાવિક રીતે કોઈ પણ ફૅન નિરાશ થઈ જાય. વાત એવી છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના રવિવારના ટી-20 વર્લ્ડ કપ મુકાબલા (ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી)ને વરસાદનું વિઘ્ન નડી શકે એમ છે.
આ મહા મુકાબલાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ખરાબ વાતાવરણ ચિંતા કરાવે છે. ન્યૂ યૉર્કના નૅસોઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં મેઘરાજા બાજી બગાડી શકે એમ છે.
ન્યૂ યૉર્ક શહેર વિશેની હવામાનને લગતી આગાહી મુજબ ન્યૂ યૉર્કમાં આખો દિવસ વરસાદ પડશે.
ન્યૂ યૉર્કમાં આ મૅચ સ્થાનિક સમય મુજબ સવારે 10.30 વાગ્યે શરૂ થશે જેનું જીવંત પ્રસારણ ભારતમાં રાત્રે 8.00 વાગ્યે શરૂ થશે.
આ પણ વાંચો : T20 World Cup: કિવીઓ એક અફઘાન પ્લેયર જેટલા રન પણ ન બનાવી શક્યા અને હાર્યા
હવામાનને લગતી વેબસાઇટ ઍક્યૂવેધરની આગાહી મુજબ રવિવારે સવારે 11.00 વાગ્યા પછી વરસાદ પડવાની 50 ટકા સંભાવના છે. વેબસાઇટ પર એવું પણ જણાવાયું છે કે વરસાદનું વિઘ્ન ન્યૂ યૉર્કમાં સાંજે 4.00 વાગ્યા સુધી (ભારતમાં રાત્રે 1.30 વાગ્યા સુધી) આવતું રહેશે. જોકે મેઘરાજાની મહેરને કારણે રમત શરૂ જ નહીં થઈ હોય તો (ભારતમાં મધરાત પછીના 1.30 વાગ્યા પછીના સમય સુધી) મૅચ નહીં લંબાવાય.
જો કોઈ પણ સંજોગોમાં મૅચ અનિર્ણીત રહેશે તો બન્ને ટીમને એક-એક પૉઇન્ટ અપાશે. એ સ્થિતિમાં પાકિસ્તાનને થોડી રાહત થઈ શકે, કારણકે ભારત સામે હારવાની સંભાવના રહેવાથી એકેય પૉઇન્ટ ન મળતાં પાકિસ્તાનને સીધો એક પૉઇન્ટ મળી જશે જે એના માટે ઉપયોગી બનશે, કારણકે અમેરિકા સામે પાકિસ્તાન હારી ચૂક્યું છે.