આનંદના ઉન્માદમાં રોહિતથી થયું તિરંગાનું અપમાન, ચૅમ્પિયન કૅપ્ટન સામેનો આક્ષેપ મીડિયામાં વાયરલ
નવી દિલ્હી: ક્રિકેટની રેકૉર્ડ-બુકમાં શનિવાર, 29મી જૂનનો દિવસ ભારત માટે સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. વેસ્ટ ઇન્ડિઝમાં બાર્બેડોઝની ધરતી પર બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડ પર ભારતે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને યાદગાર વિજય મેળવ્યો એ પછી ભારતીય ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ તથા સપોર્ટ સ્ટાફના સભ્યો, હજારો પ્રેક્ષકો અને કરોડો ક્રિકેટપ્રેમી ટીવી-દર્શકોના આનંદનો પાર નહોતો.
વિજયના ઉન્માદની એ ક્ષણો દરમ્યાન કૅપ્ટન રોહિત શર્માએ ભાવુક સ્થિતિમાં ભારતીય તિરંગો લઈને જે રીતે એની લાકડી જમીનમાં ખૂંચાડી એને લઈને વિવાદ જાગ્યો છે.
આમ તો રોહિતની તિરંગા સાથેની એ તસવીર અઠવાડિયાથી વાઇરલ થઈ છે, પણ રોહિતે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એ તસવીરને પોતાનો પ્રોફાઇલ ફોટો બનાવી દીધો એ પછી એ તસવીર ચર્ચાસ્પદ થઈ છે.
મુમ્બૈયા ભાષામાં કહીએ તો રોહિતના એ ફોટોને લઈને બબાલ થઈ છે. ઘણા લોકોનું કહેવું છે કે ભારતીય તિરંગાનું અપમાન થયું છે. આ વિવાદ કેમ થયો અને ભારતીય ધ્વજનું અપમાન કેવી રીતે થયું એ વિશે આપણે જાણીએ…
અહીં આપણે જે ફોટોની વાત કરી રહ્યા છીએ એ ફોટો રોહિતે આઠમી જુલાઈએ પોતાના એક્સ (ટ્વિટર) અકાઉન્ટ પર પ્રોફાઇલ ફોટો બનાવી દીધો હતો.
સોશિયલ મીડિયામાં અમુક લોકોનું એવું કહેવું છે કે રોહિત જ્યારે તિરંગાની લાકડી જમીનમાં ખોંસી રહ્યો હતો ત્યારે ધ્વજનો અમુક હિસ્સો જમીનને અડક્યો હતો. તેમના મતે ભારતના ધ્વજ સંબંધિત સંહિતા મુજબ ભારતીય તિરંગો જમીનને અડાડવો કે જમીન પર પાડવો ઠીક તો ન જ કહેવાય, એ રીતે તિરંગાનું અપમાન થયું પણ કહેવાય.
આ પણ વાંચો: Hitman Rohit Sharmaએ દ્રવિડ માટે લખી ઈમોશનલ પોસ્ટ, જોરદાર વાઈરલ થઈ પોસ્ટ
બીજી રીતે કહીએ તો ધ્વજ સંહિતાના નિયમ 3.20માં સ્પષ્ટ લખાયું છે કે રાષ્ટ્રીય તિરંગો જમીનને કે ફરસને ન અડાડી શકાય તેમ જ જમીન પર કે પાણીમાં ઘસડી પણ ન શકાય અને ઘસડાય એ રીતે રાખી પણ ન શકાય.
ટૂંકમાં, ભારતીય ધ્વજ હંમેશાં લહેરાતો જ હોવો જોઈએ. બીજું, તિરંગો ફાટી જાય એ રીતે એને કસીને બાંધીને પણ ન રાખી શકાય.
કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ધાર કરી ચૂકેલા રોહિતથી આનંદના અતિરેકમાં આ ભૂલ થઈ હશે એટલે એના પર વિવાદ થાય એ ઠીક ન કહેવાય. જોકે કેટલાક પ્રખર રાષ્ટ્રવાદીઓનું એવું માનવું છે કે રોહિતે આ બાબતમાં માફી માગી લેવી જોઈએ કે જેથી કરીને વિવાદ બંધ થઈ જાય અને બીજી કોઈ વ્યક્તિ આ રીતે ધ્વજનું અપમાન ન કરે.