T20 World Cup: ‘દિવાલી હો યા હોલી, અનુષ્કા લવ્ઝ કોહલી’ અને બીજા નારાઓથી ન્યૂ યૉર્કનું સ્ટેડિયમ ગૂંજી ઊઠ્યું

ન્યૂ યૉર્ક: ટીમ ઇન્ડિયાની મૅચ જ્યાં પણ હોય ત્યાં તહેવાર જ હોય, જલસો જ હોય અને ખુશાલી જ હોય. પછી ભલે ટીમ શ્રેષ્ઠ કે સાધારણ પર્ફોર્મ કરે કે પછી ખરાબ રમે. ન્યૂ યૉર્કમાં બુધવારે ભારતની અમેરિકા સામેની મૅચમાં અનેરો માહોલ હતો. ખાસ કરીને વિરાટ કોહલી (Virat Kohli)ના ચાહકો મોટી સંખ્યામાં હતા અને વીઆઇપી સ્ટૅન્ડમાં તેની પત્ની અનુષ્કા બેઠી હતી એટલે પ્રેક્ષકો વધુ ગેલમાં આવી ગયા હતા અને તેમણે જાત જાતના નારાથી સ્ટેડિયમ ગજાવી નાખ્યું હતું.
રોહિત શર્માએ ટૉસ જીતીને અમેરિકાને બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું એટલે કોહલી મેદાન પર ફીલ્ડિંગ માટે ઊતરતા જ તેના ફૅન્સ રોમાંચિત થઈ ગયા હતા.
આ પણ વાંચો: T20 Worldcup: પહેલા મેચમાં કિંગ કોહલીનો ફ્લોપ શો, કરિયરમાં આવું પહેલીવાર બન્યું….
કોહલી ભલે આ વર્લ્ડ કપમાં ઓપનિંગની અજમાયશમાં સદંતર ફ્લૉપ (1, 4, 0) ગયો છે, પણ તે હંમેશાં ફૅન-ફેવરિટ રહ્યો છે. બુધવારે પહેલા તો ભારતની ફીલ્ડિંગ હતી એટલે તે બાઉન્ડરી લાઇન નજીક આવતો ત્યારે લોકો નિતનવા સૂત્રો પોકારીને બધાને મનોરંજન પૂરું પાડતા હતા.
ફૅન્સે પહેલાં તો લાડલા કોહલીને ‘કોહલી કો બોલિંગ દો…’ અને ‘ફાઇવ રુપયૈ કી પેપ્સી, કોહલી ભાઈ સેક્સી’ જેવા સૂત્રો વારંવાર પોકાર્યા હતા. એનાથી તેમને સંતોષ ન થયો હોય એમ ક્રાઉડે અનુષ્કા શર્માનું નામ લઈને નવું અને અનોખું સૂત્ર પોકારવાનું શરૂ કરી દીધું હતું.
કોહલી ત્યારે ડીપમાં (બાઉન્ડરી લાઇન નજીક) ફીલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે તેના કેટલાક ચાહકો બોલવા લાગ્યા, ‘દિવાલી હો યા હોલી, અનુષ્કા લવ્ઝ કોહલી’. કોહલી ક્રાઉડની દિશા તરફ આવી રહ્યો હતો ત્યારે તેમણે મોટે મોટેથી બોલવાનું શરૂ કર્યું હતું. જોકે આ સૂત્રમાં પત્નીના નામનો ઉલ્લેખ હતો એટલે તેણે એ સાંભળીને કોહલીએ કંઈ જ પ્રતિક્રિયા નહોતી બતાવી. કોહલીએ માત્ર હાથ ઊંચો કરીને ફૅન્સનું અભિવાદન કર્યું હતું.