Victory Parade માં માનવમહેરામણઃ CM શિંદેએ ટ્રાફિક પોલીસને આપ્યા તાબડતોબ આદેશ
મુંબઈઃ બાર્બાડોઝમાં બેરીલ વાવાઝોડામાં ફસાયેલી ભારતીય ટીમ આખરે ભારત પહોંચી અને સૌપ્રથમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ વિજય યાત્રા માટે મુંબઈ પહોંચી હતી. બીસીસીઆઇ (બોર્ડ ઓફ કંટ્રોલ) દ્વારા યોજવામાં આવેલા વાનખેડે સ્ટેડિયમ અને ત્યાર બાદના વિજય યાત્રાના કાર્યક્રમને જોવા માટે હજારોની સંખ્યામાં ક્રિકેટ ફેન્સ વર્લ્ડ ચેમ્પિયન બનેલી પોતાની ભારતીય ટીમને બિરદાવવા માટે દક્ષિણ મુંબઈ પહોંચી છે.
જોકે, આટલી મોટી સંખ્યામાં મેદની ભેગી થતા તેમની સુરક્ષા તેમ જ વ્યવસ્થા-નિયંત્રણ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોલીસ ખાતાને અને ખાસ કરીને ટ્રાફિક પોલીસને સૂચના આપી હતી. ભીડને નિયંત્રણમાં રાખવા માટે તેમ જ સામાન્ય નાગરિકોની અવરજવર માટે તેમને વૈકલ્પિક રૂટની માહિતી આપવાની સૂચના શિંદેએ ટ્રાફિક પોલીસને આપી હતી. શિંદેએ આ અંગેનો આદેશ મુંબઈ પોલીસ કમિશનરને આપ્યો હતો.
આ પણ વાંચો: BCCI ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની અવગણના કરી રહ્યું છે? આ ખેલાડીઓ પણ પસંદગી ન પામ્યા
ભારતીય ટીમના સ્વાગત માટે અને તેમને શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં નરિમન પોઇન્ટ અને મરીન લાઇન્સ ક્રિકેટ પ્રેમીઓ પહોંચ્યા હતા. ભીડના કારણે ટ્રાફિક ન ખોરવાય અને તેમ જ ક્રિકેટ પ્રેમીઓને પણ કોઇ સમસ્યા ન થાય એ માટે મુંબઈ પોલીસ અને સંબંધિત ખાતાઓને પૂરતું ધ્યાન રાખવાની સૂચના આપી દેવામાં આવી હતી. આ માટે મુખ્ય પ્રધાને પોતે મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને ફોન કરીને વાતચીત કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.