ક્રિકેટ ફેન્સને ભારત-પાકિસ્તાન મેચ જોવા મળી શકે છે! આવી શકે છે મોટો વળાંક

દુબઈ: બાંગ્લાદેશના સર્મથનમાં પાકિસ્તાને હાલ ચાલી રહેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં 15 ફેબ્રુઆરીએ આયોજિત ભારત સામેની મેચનો બહિષ્કાર કર્યો છે, બંને કટ્ટર હરીફો વચ્ચેની મેચ જોવા આતુર ક્રિકેટ ચાહકો નિરાશ થયા છે. એવામાં અહેવાલ છે કે આ ઘટનાક્રમમાં એક મોટો વળાંક આવી શકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે મેચ અંગે વાત કરી રહી છે.
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચથી ICCને તગડી કમાણી થાય છે. પાકિસ્તાને મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરતા ICCને મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ ICC પણ PCB પર આકરા પ્રતિબંધો લાગવી શકે છે, જેને કારણે PCBને ભવિષ્યમાં મોટો આર્થિક ફટકો પડી શકે છે. અહેવાલ મુજબ બંને પક્ષો આ નુકશાન ટાળવા ઈચ્છે છે અને છેલ્લો પ્રયાસ કરી રહ્યા છે.
નોંધનીય છે કે શેડ્યુલ મુજબ ભારતીય ટીમ સ્ટેડિયમમાં હાજર રહેશે, જો પાકિસ્તાનની ટીમ હાજર નહીં રહે તો ICC PCB પાસેથી નુકસાનીનો દાવો કરી શકે છે.
ક્રિકેટ ફેન્સ માટે આશાનું કિરણ:
એક અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું કે પાકિસ્તાનને પોતાનું વલણ બદલવા માટે મનાવવા ICC ‘બેક ચેનલ’ વાટાઘાટો કરી રહી છે. અહેવાલ મુજબ પાકિસ્તાને પોતાનું વલણ થોડું નરમ કર્યું છે.
એક અહેવાલમાં ICCના અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું કે ICC સંઘર્ષ નથી ઇચ્છતું, વાતચીત કરવામાં આવશે. ICC તરફથી સત્તાવાર મેસેજ અપાયા બાદ PCB વાતચીત આગળ વધારવા તૈયાર થઇ છે. શક્ય ઉકેલો શોધવા ICC હાલમાં માળખાગત રીતે PCB સાથે કામ કરી રહી છે.
શ્રીલંકા ક્રિકેટે પણ PCBને વિનંતી કરી:
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું આયોજન શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. આ મેચ થાય તો શ્રીલંકા ક્રિકેટ (SLC)ને પણ આર્થિક ફટકો પડી શકે છે. શ્રીલંકા ક્રિકેટ (SLC)એ PCB ને પત્ર લખીને મેચના બહિષ્કારના નિર્ણય અંગે પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી.



