T20 એશિયા કપ 2025માં ભારતીય ટીમનું શેડ્યુલ; આ તારીખે પાકિસ્તાન સામે ટક્કર…

દુબઈ: ક્રિકેટ ચાહકો માટે આ મહિનો રોમાંચથી ભરપુર રહેવાનો છે, 9 સપ્ટેમ્બરથી T20 એશિયા કપ 2025ની શરૂઆત થવા જઈ રહી છે. એશિયા કપ 2025 નું સત્તાવાર યજમાન ભારત છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટ યુનાઇટેડ અરબ અમીરાત(UAE)માં યોજવામાં આવશે.
28 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની હાઈ પ્રોફાઈલ મેચનો પણ સમાવેશ થાય છે. ઓપરેશન સિંદૂર બાદ પહેલી વાર બંને દેશોની ક્રિકેટ ટીમો આમને સામને હશે, ત્યારે આ વખતે સ્ટેડીયમમાં અને ઘરે મેચ જોઈ રહેલા ચાહકોમાં જુસ્સો બમણો હશે.
આ 8 ટીમો ભાગ લેશે:
સામાન્ય રીતે ODI ફોર્મેટમાં યોજાતી એશિયા કપ ટુર્નામેન્ટ ત્રીજી વાર T20 ફોર્મેટમાં યોજાશે. આ વર્ષે ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, યુએઈ, ઓમાન અને હોંગકોંગ એમ આઠ ટીમો ભાગ લઇ રહી છે.
ટુર્નામેન્ટની ઓપનીંગ મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે 9 સપ્ટેમ્બરના રોજ અબુ ધાબીમાં રમાશે, આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરુ થશે.
ભારતીય ટીમનું શેડ્યુલ:
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ આ ટુર્નામેન્ટના બીજા દિવસે 10મી સપ્ટેમ્બરના રોજ પોતાની પહેલી મેચ રમશે. લાંબા સમય બાદ ભારતીય ખેલાડીઓને T20Iમાં રમાતા જોવા માટે ચાહકો આતુર છે, ત્યારે ભારતીય ટીમના સંપૂર્ણ શેડ્યુલ પર નજર કરીએ:
તારીખ | મેચ | સ્થળ |
9 સપ્ટેમ્બર | ભારત vs યુએઈ | દુબઈ |
14 સપ્ટેમ્બર | ભારત vs પાકિસ્તાન | દુબઈ |
19 સપ્ટેમ્બર | ભારત vs ઓમાન | અબુધાબી |
ભારત અન પાકિસ્તાનની ત્રણ વખત ટક્કર થઇ શકે છે:
T20 એશિયા કપ 2025ના બીજા રાઉન્ડની મેચો શરૂઆત 20 સપ્ટેમ્બરે શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 21 સપ્ટેમ્બર દુબઈમાં ફરી એકવાર મેચ યોજાઈ શકે છે.
જો બંને ટીમો ફાઇનલમાં પહોંચે, તો 28 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મહિનાની અંદર ત્રીજી વખત ટક્કર થઇ શકે. જો કે એ મેચના પરિણામોને આધારે નક્કી થશે પણ બંને કટ્ટર હરીફો વચ્ચે એક મેચ રમાશે એ તો નક્કી જ છે.

ભારતનો પક્ષ ભારે:
T20I ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન યોજાઈ હતી, જેમાં ભારતે જીત મેળવી હતી. ODI ફોર્મેટમાં બંને ટીમ છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં દરમિયાન આમને સામને હતી, એ મેચમાં પણ ભારતે જીત મેળવી હતી.
એશિયા કપમાં ભારતનો દબદબો:
ભારતીય ટીમ 8 વાર એશિયા કપ ચેમ્પીયન રહી ચુકી છે, જેમાં ODI ફોર્મેટમાં રમાયેલા 7 અને T20 ફોર્મેટમાં રમાયેલા 1 એશિયા કપ ટાઈટલનો સમાવેશ થાય છે. શ્રીલંકા 6 અને પાકિસ્તાન 2 વખત એશિયા કપ ટાઈટલ જીતી ચુક્યું છે.
ટુર્નામેન્ટની મેચ કેટલા વાગ્યે શરુ થશે?
અગાઉ જાહેર કરવામાં આવેલા એશિયા કપ 2025ના શેડ્યૂલ મુજબ દરેક મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ હાલ UAEમાં પડી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આયોજન સમિતિએ દરેક મેચ અડધો કલાક મોડી શરુ કરવાનો નિર્ણય લીધો છે. હવે ટુર્નામેન્ટમી મેચો ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 7:30 વાગ્યે થશે.

ક્યાં જોવા મળશે મેચ?
ભારતમાં એશિયા કપ 2025 ની મેચોનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્કની સોની ટેન 1 અને સોની ટેન 3 ચેનલો પર થશે. આ ટુર્નામેન્ટની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર થશે.
T20 એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ:
સૂર્યકુમાર યાદવ (c), શુભમન ગિલ (vc), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (wk), જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન (wk), હર્ષિત રાણા, રિંકુ સિંહ.
આ પણ વાંચો…ભારત પાકિસ્તાનના ક્રિકેટરો એશિયા કપના મુકાબલા પહેલાં જ દુબઈના મેદાન પર સામસામે!