સ્પોર્ટસ

ટી-20 વર્લ્ડ કપ: ટીમ સિલેક્શન માટે મંગળવારે અમદાવાદમાં મીટિંગ અને પછી 15 પ્લેયર્સની જાહેરાત

નવી દિલ્હી: 2007માં ટી-20નો પહેલો વર્લ્ડ કપ રમાયો હતો જે ભારતે જીતી લીધો હતો. ત્યાર પછી ટીમ ઇન્ડિયા ક્યારેય એ ટ્રોફી નથી જીતી શકી, પણ આ વખતે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝથી જીતી લાવે એ માટેની કાબેલ ટીમ સિલેક્ટર્સ દ્વારા નક્કી કરાઈ રહી છે. અમદાવાદમાં મંગળવારે ચીફ સિલેક્ટર અજિત આગરકર અને તેમના કમિટી મેમ્બર્સ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહને મળશે અને તેમની સાથે મળીને 15 પ્લેયર્સની ટીમ નક્કી કરશે. આઇસીસીએ ટીમની જાહેરાત માટે પહેલી મેની ડેડલાઇન આપી છે.

જય શાહ સિલેક્શન કમિટીના કન્વીનર છે. તેઓ રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી સિલેક્ટર્સ સાથેની તેમની બેઠક અમદાવાદમાં યોજાશે.

ટીમમાં ખાસ કરીને બીજા વિકેટકીપર-બૅટર તરીકે કોને સમાવવો અને હાર્દિક પંડ્યાને લેવો કે નહીં એના પર ચર્ચા થશે.
સેકન્ડ વિકેટકીપર-બૅટર તરીકે ટીમમાં સ્થાન મેળવવા કેએલ રાહુલ (આઇપીએલમાં 378 રન, 144નો સ્ટ્રાઇક-રેટ) અને સંજુ સૅમસન (385 રન, 161નો સ્ટ્રાઇક-રેટ) વચ્ચે હરીફાઈ છે. જિતેશ શર્મા પણ બહુ સારા ફૉર્મમાં છે, જ્યારે ધ્રુવ જુરેલને વિકેટકીપિંગનો મોકો નથી મળ્યો.

આપણ વાંચો: ટી-20 વર્લ્ડ કપ માટે સૌથી પહેલી ટીમ આ દેશે જાહેર કરી

લેફ્ટ-હૅન્ડ બૅટર તિલક વર્મા બૅટિંગમાં સારા ફૉર્મમાં છે. તે ઑફ સ્પિનર પણ છે એટલે પસંદગીકારો તેના પર ચર્ચા કરી રહ્યા છે. આઇપીએલની ડેથ ઓવર્સમાં પેસ બોલર સંદીપ શર્માનો પર્ફોર્મન્સ પ્રશંસનીય રહ્યો છે એટલે તેના નામ પર પણ ચર્ચા થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button