સ્પોર્ટસ

સૂર્યાંશ અને સૂર્યકુમારે મુંબઈને ટી-20 ટાઇટલ અપાવ્યું, પાટીદારની આતશબાજી એળે ગઈ…

બેન્ગલૂરુઃ મુંબઈએ અહીં આજે મધ્ય પ્રદેશને ફાઇનલમાં પાંચ વિકેટે હરાવીને ત્રણ વર્ષમાં બીજી વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. ઑલરાઉન્ડર સૂર્યાંશ શેડગે (એક વિકેટ, એક કૅચ, એક રનઆઉટ અને 15 બૉલમાં ત્રણ સિક્સર, ત્રણ ફોર સાથે અણનમ 36) ફાઇનલમાં સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કર્યું હતું અને તેને મૅન ઑફ ધ ફાઇનલનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જોકે ત્રણ કૅચ પકડ્યા બાદ બૅટિંગમાં પણ ખૂબ સારું પર્ફોર્મ કરનાર સૂર્યકુમાર યાદવ (48 રન, 35 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)નું પણ આ યાદગાર જીતમાં મોટું યોગદાન હતું.

મધ્ય પ્રદેશના કૅપ્ટન રજત પાટીદારની ફટકાબાજી એળે ગઈ હતી.

શ્રેયસ ઐયરના સુકાનમાં મુંબઈએ 175 રનનો લક્ષ્યાંક 17.5 ઓવરમાં (13 બાકી રાખીને) 180/5ના સ્કોર સાથે મેળવી લીધો હતો.

આ પણ વાંચો : એક દાવમાં પાંચ વિકેટઃ બુમરાહે કપિલનો વિક્રમ તોડ્યો, ઝહીર-ઇશાંતથી આગળ થયો…

ઓપનર પૃથ્વી શો ફક્ત 10 રન બનાવી શક્યો હતો, જ્યારે અજિંક્ય રહાણેએ 30 બૉલમાં ચાર ફોરની મદદથી 37 રન બનાવ્યા હતા. કૅપ્ટન શ્રેયસનું 16 રનનું યોગદાન હતું, જ્યારે શિવમ દુબે ફક્ત નવ રન બનાવી શક્યો હતો. છેલ્લે સૂર્યાંશ અને અથર્વ અંકોલેકર (16 અણનમ, છ બૉલ, બે સિક્સર) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 51 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

કુલ 38 ટીમનો સમાવેશ ધરાવતી આ ટૂર્નામેન્ટમાં અજિંક્ય રહાણેના 469 રન હાઈએસ્ટ હતા. તેને મૅન ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ચંડીગઢના પેસ બોલર જગજીત સિંહ 18 વિકેટ સાથે તમામ બોલર્સમાં મોખરે રહ્યો હતો.

મધ્ય પ્રદેશના કૅપ્ટન રજત પાટીદાર (અણનમ 81, 40 બૉલ, છ સિક્સર, છ ફોર)ની આતશબાજી પાણીમાં ગઈ હતી. તેની આ હાફ સેન્ચુરીની મદદથી મધ્ય પ્રદેશની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 174 રન બનાવ્યા હતા. મુંબઈ વતી શાર્દુલ ઠાકુર અને રૉયસ્ટન ડાયસે બે-બે વિકેટ તેમ જ શિવમ દુબે, સૂર્યાંશ તથા અથર્વએ એક-એક વિકેટ લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button