સ્પોર્ટસ

ભારતના મહાન ફીલ્ડર અને ઑલરાઉન્ડર સૈયદ આબિદ અલીનું નિધન

1996માં આબિદ અલીના અવસાનના ખોટા સમાચાર વાઇરલ થયા હતા!

હૈદરાબાદઃ ભારતના મહાન ક્રિકેટર સૈયદ આબિદ અલીનું 83 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર હતા અને ખાસ કરીને ચુસ્ત ફીલ્ડિંગ માટે પ્રખ્યાત હતા.

તેમનું આજે અમેરિકાના કૅલિફોર્નિયામાં અવસાન થયું હતું. 1996માં આબિદ અલીએ બાયપાસ સર્જરી કરાવી હતી. કમનસીબે ત્યારે એવી અફવા ઊડી હતી કે આબિદ અલી હવે આપણી વચ્ચે નથી રહ્યા. ટીવી ચૅનલો પર ત્યારે તેમના નિધનની અફવા વાઇરલ થઈ હતી.

ત્યારે ભારતીય ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે હતી અને આબિદ અલીના અવસાનના ખોટા સમાચાર ફેલાતાં તેમને અંજલિઓ આપવામાં આવી હતી. તેમને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં તેમના જ ભૂતકાળના કેટલાક સાથી ખેલાડીઓનો પણ સમાવેશ હતો.

આપણ વાંચો: પદમાકર શિવાલકર ભારત વતી રમ્યા નહોતા છતાં દેશના મહાન સ્પિનર્સમાં ગણાતા હતા

એવું મનાય છે કે એક પત્રકારે આબિદ અલીના જ ફોન પર કૉલ કરીને તેમના વિશે જાણવાની કોશિશ કરી હતી અને થોડી વારમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે આબિદ અલી જીવંત છે.

છેલ્લી મૅચ વર્લ્ડ કપની હતી

આજે 83 વર્ષ અને 184 દિવસની ઉંમરે તેમનું અવસાન થયું છે. હૈદરાબાદમાં જન્મેલા આબિદ અલી 1967થી 1975 દરમ્યાન ભારત વતી 29 ટેસ્ટ અને પાંચ વન-ડે રમ્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય મૅચોમાં કુલ છ હાફ સેન્ચુરી સહિત કુલ 1,111 રન બનાવ્યા હતા તેમ જ 54 વિકેટ લીધી હતી અને 32 કૅચ પકડ્યા હતા.

એ ઉપરાંત, તેમણે શાનદાર ફીલ્ડિંગમાં અસંખ્ય રન રોક્યા હતા. તેઓ ભારત વતી છેલ્લી મૅચ 1975માં મૅન્ચેસ્ટરમાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમ્યા હતા. એ મૅચ પ્રુડેન્શિયલ વર્લ્ડ કપની વન-ડે હતી. એ મૅચમાં તેમણે 107 મિનિટ સુધી ક્રીઝ પર ટકી રહીને 98 બૉલમાં એક સિક્સર તથા પાંચ ફોરની મદદથી 70 રન બનાવ્યા હતા.

આપણ વાંચો: સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર ડ્રૅપરનું નિધન, હવે નીલ હાર્વી ઑલ્ડેસ્ટ પ્લેયર…

શ્રીનિવાસ વેન્કટરાઘવનના નેતૃત્વમાં રમેલી એ ભારતીય ટીમની ઇનિંગ્સમાં એ હાઇએસ્ટ સ્કોર હતો. પછીથી તેમણે જૉન પાર્કર (એક રન) તથા રિચર્ડ હેડલી (15 રન)ની વિકેટ પણ લીધી હતી એમ છતાં ભારતનો એ રોમાંચક મૅચમાં પરાજય થયો હતો.

ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં 8,732 રન અને 397 વિકેટ

આબિદ અલી નિવૃત્તિ પછી અમેરિકામાં સ્થાયી થયા હતા. તેમણે રણજી ટ્રોફી સહિતની 212 ફર્સ્ટ ક્લાસ મૅચમાં 13 સેન્ચુરી અને 41 હાફ સેન્ચુરી સહિત 8,732 રન બનાવ્યા હતા તેમ જ 397 વિકેટ લીધી હતી.

તેમણે એ મૅચોમાં 190 કૅચ ઝડપવા ઉપરાંત પાંચ બૅટરને સ્ટમ્પ-આઉટ પણ કર્યા હતા. તેઓ ફર્સ્ટ ક્લાસ સ્તરે હૈદરાબાદ અને સાઉથ ઝોન વતી રમ્યા હતા.
ઍથ્લીટ જેવા ચપળ આબિદ અલી ચુસ્ત ફીલ્ડર તો હતા જ, તેઓ રનિંગ-બિટવિન-ધ-વિકેટ્સની ચપળતા માટે પણ જાણીતા હતા.

પહેલી ટેસ્ટ ઇનિંગ્સમાં લીધી છ વિકેટ

રાઇટ-આર્મ મિડિયમ ફાસ્ટ બોલર આબિદ અલીએ 1967માં ઍડિલેઇડમાં ટેસ્ટ સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું. ઑસ્ટ્રેલિયા સામે કરીઅરની એ પ્રથમ ટેસ્ટના પહેલા જ દાવમાં તેમણે પંચાવન રનમાં છ વિકેટ લઈને ક્રિકેટજગતમાં ધમાલ મચાવી દીધી હતી.

તેમના છ શિકારમાં કૅપ્ટન બૉબ સિમ્પસન, બિલ લૉરી, બૉબ કાઉપર, વિકેટકીપર બૅરી જાર્મન, ગે્રહામ મૅકેન્ઝી અને જૉન ગ્લીસનનો સમાવેશ હતો. એ ઇનિંગ્સમાં ત્રણ વિકેટ એરાપલ્લી પ્રસન્નાએ અને એક વિકેટ ભાગવત ચંદ્રશેખરે લીધી હતી.
આબિદ અલીએ પછીથી 33 રન બનાવ્યા હતા તથા બીજા દાવમાં બૉબ કાઉપરની વિકેટ લીધી હતી તેમ જ બીજી ઇનિંગ્સમાં પણ 33 રન બનાવ્યા હતા. જોકે ભારત એ મૅચ 146 રનથી હારી ગયું હતું.

ક્રિકેટર પછી બન્યા કોચ

1978ની સાલ પછી આબિદ અલીએ કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું. આંધ્ર પ્રદેશ ઉપરાંત યુએઇની ટીમને આપેલા કોચિંગ માટે તેઓ પ્રખ્યાત છે.

આબિદ અલીના એક સંબંધીનો પુત્ર રેઝા ખાન નોર્થ અમેરિકા ક્રિકેટ લીગમાં રમે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button