આજે કોલ્હાપુરનો સ્વપ્નિલ ભારતનું નામ રોશન કરશે! ધોની સાથે શું સામ્યતા છે?

નવી દિલ્હી: ફ્રાન્સના પેરીસમાં ચાલી રહેલા ઓલમ્પિક 2024(Olympic 2024)માં ભારતના શૂટર્સ દેશ માટે મેડલ મેળવી રહ્યા છે. મનુ ભાકર અને સરબજોત સિંઘ પછી, હવે રાઇફલ શૂટર સ્વપ્નિલ કુસાળે (Swapnil kusale) પાસે ભારતને મેડલની આશા છે. સ્વપ્નીલ પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનની ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય બન્યો છે.
મહારાષ્ટ્રના કોલ્હાપુર પાસે કમલવાડી ગામનો રહેવાસી 29 વર્ષીય સ્વપ્નિલ 2012થી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યો છે. પરંતુ ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરવા માટે તેને 12 વર્ષ રાહ જોવી પડી હતી. સ્વપ્નિલ ભારતીય ક્રિકેટના દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોનીથી પ્રેરણા લે છે, તેમની જેમજ સ્વપ્નિલ રેવલે ટિકિટ કલેક્ટર હતો.
સ્વપ્નિલે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું કે, ‘હું શૂટિંગની દુનિયામાં કોઈ ખાસ વ્યક્તિને ફોલો કરતો નથી. પરંતુ એમએસ ધોની એવી વ્યક્તિ છે જેનું હું ખૂબ સન્માન કરું છું. મારી રમતમાં, મારે તેટલી જ શાંતી અને ધૈર્ય રાખવું પડશે જેટલા ધોની મેદાન પર હોય છે. હું પણ તેમના જીવન સંઘર્ષ સાથે જોડાયેલો હોઉં એવું અનુભવું છું કારણ કે હું પણ તેમની જેમ ટિકિટ કલેક્ટર હતો.’
ચેટોરોક્સ શૂટિંગ રેન્જ(Chateauroux shooting ranges)માં સ્વપ્નિલે થ્રી પોઝિશનમાં 38x સહિત કુલ 590નો સ્કોર કર્યો. તેણે પ્રોનમાં 99 અને 99, સ્ટેન્ડિંગમાં 98 અને 99 તથા નીલિંગમાં 96 અને 99નો સ્કોર કર્યો હતો. એકંદરે, 44 શૂટર્સનામાંથી ટોચના-8માં ફાઇનલમાં પહોંચ્યા છે, જેમાં સ્વપ્નિલ સાતમા સ્થાને રહ્યો હતો.
કોલ્હાપુરના 29 વર્ષીય સ્વપ્નિલ છેલ્લા 12 વર્ષથી આંતરરાષ્ટ્રીય મંચ પર છે અને બુધવારે તેણે પોતાના ઓલિમ્પિક ડેબ્યૂને યાદગાર બનાવ્યો હતો. ફાઇનલ એક અલગ બોલ ગેમ હશે જેમાં સ્કોર શૂન્ય પર રીસેટ કરવામાં આવશે. આજે સ્વપ્નિલ ઓલિમ્પિક મેડલ જીતી કોલ્હાપુરનું નામ રોશન કરી શકે છે. જો સ્વપ્નિલ મેડલ જીતશે, તો તે શૂટિંગમાં ભારત માટે ત્રીજો મેડલ હશે.
Also Read –