મહારાષ્ટ્રનો શૂટર સ્વપ્નિલ કુસાળે ફાઇનલમાં પહોંચી ગયો
પૅરિસ: પુણેમાં જન્મેલો મહારાષ્ટ્રનો શૂટર સ્વપ્નિલ કુસાળે પૅરિસ ઑલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચી ગયો છે. તે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ટોચના આઠ સ્પર્ધકમાં રહ્યો હતો અને નિર્ણાયક રાઉન્ડ માટે ક્વૉલિફાય થઈ ગયો હતો. જોકે ભારતનો જ ઐશ્ર્વરી પ્રતાપ સિંહ તોમર 11મા નંબર પર રહેતા સ્પર્ધાની બહાર થઈ ગયો હતો.
કુસાળેએ 60 શૉટમાં 590 પૉઇન્ટ મેળવ્યા હતા, જ્યારે તોમર 589 પૉઇન્ટને પગલે ટૉપ-8માં નહોતો આવી શક્યો.
કુસાળેએ મેન્સ રાઇફલ 50 મીટર થ્રી-પૉઝિશન્સ ઇવેન્ટમાં આ સફળતા મેળવી હતી.
કુસાળેએ 99 પૉઇન્ટ સાથે ખૂબ જ સારી શરૂઆત કરી હતી અને તેણે 98 તથા 99 પૉઇન્ટ સાથે સતતપણે અસરદાર પર્ફોર્મન્સ જાળવી રાખ્યો હતો. ત્યાર પછી તેણે 98 અને 97 પૉઇન્ટ સાથે ફાઇનલ માટે તે દાવેદાર થઈ ગયો હતો.
મેન્સ રાઇફલ 50 મીટર થ્રી-પૉઝિશન્સની ફાઇનલ ગુરુવાર, પહેલી ઑગસ્ટે યોજાશે.
આ પણ વાંચો : બૅડમિન્ટનમાં લક્ષ્ય સેન વર્લ્ડ નંબર-થ્રીને હરાવીને પહોંચી ગયો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં
તોમર પણ ફાઇનલમાં પહોંચી શકે એમ હતો, પરંતુ પહેલી સિરીઝમાં તેના 95 પૉઇન્ટ અન્ય સ્પર્ધકોની સરખામણીમાં ઓછા સાબિત થયા હતા. ચીનનો લિઉ યુકુન 594 પૉઇન્ટ સાથે તમામ સ્પર્ધકોમાં મોખરે રહ્યો હતો. જોકે વર્લ્ડ ક્વૉલિફિકેશન રેકૉર્ડ ધરાવતો ડુ લિન્શુ બધાની નવાઈ વચ્ચે સ્પર્ધાની બહાર થઈ ગયો હતો.