પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

સ્વપ્નિલની ઐતિહાસિક સિદ્ધિથી પ્રત્યેક ભારતીય આનંદિત છે: મોદી

શૂટિંગમાં ઐતિહાસિક મેડલ જીતવા બદલ સ્વપ્નિલને રાષ્ટ્રપતિ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર માંડવિયાના પણ અભિનંદન

નવી દિલ્હી: કોલ્હાપુર જિલ્લાના નિશાનબાજ સ્વપ્નિલ કુસાળેએ ગુરુવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં 50 મીટર રાઇફલ થ્રી-પૉઝિશન્સ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો એ બદલ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ કેન્દ્રીય ખેલકૂદ પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા સહિત ઘણાએ તેને સોશિયલ મીડિયામાં અભિનંદન આપ્યા હતા.

સ્વપ્નિલ કુસાળે શૂટિંગની આ કૅટેગરીમાં ઑલિમ્પિક્સનો ચંદ્રક જીતનાર પ્રથમ નિશાનબાજ છે.

કુસાળેએ આઠ રાઉન્ડની ફાઇનલમાં શરૂઆતની નિરાશા પછી એકાગ્રતા તથા ધૈર્ય વધારીને જોરદાર કમબૅક કર્યું હતું અને 451.4 પૉઇન્ટ સાથે ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું અને કાંસ્ય ચંદ્રક પર કબજો કરી લીધો હતો.

રાષ્ટ્રપતિ મૂર્મુએ એક્સ પર લખ્યું, ‘સ્વપ્નિલ કુસાળેને ઑલિમ્પિક્સનો ઐતિહાસિક મેડલ જીતવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન. તે પુરુષોના 50 મીટર રાઇફલ થ્રી-પૉઝિશન્સ કૅટેગરીમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. ભારત એક જ ઑલિમ્પિક્સમાં શૂટિંગના ત્રણ મેડલ જીત્યું હોય એવું પણ પહેલી જ વાર બન્યું છે. નિશાનબાજોના આખા સંઘે ખૂબ સારું પર્ફોર્મ કર્યું છે.

તેમને અભિનંદન અને આવનારી ઇવેન્ટ્સ માટે તમામ ભારતીય સ્પર્ધકોને શુભેચ્છા. સ્વપ્નિલ ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ મેળવે એવી તેને મારી શુભેચ્છા.’

આ પણ વાંચો :Paris Olympic 2024: સ્વપ્નિલ કુસાળે બ્રોન્ઝ મેડલ જીત્યો, ભારતની મેડલ ટેલી 3 પર પહોંચી

પીએમ મોદીએ એક્સ પર લખ્યું, ‘સ્વપ્નિલ કુસાળેનો પર્ફોર્મન્સ અસાધારણ રહ્યો. બ્રૉન્ઝ મેડલ જીતવા બદલ તેને ખૂબ-ખૂબ અભિનંદન. શરૂઆતની નિરાશા બાદ જોરદાર કમબૅક કરીને ગજબના કૌશલ્ય સાથે તેણે મેડલ જીતી લીધો એ બદલ તેનો આ પર્ફોર્મન્સ સ્પેશિયલ કહી શકાય.આ કૅટેગરીમાં ઑલિમ્પિક્સનો ચંદ્રક જીતનારો તે પ્રથમ ભારતીય પણ છે. તેની આ સિદ્ધિથી પ્રત્યેક ભારતીય ખૂબ આનંદિત છે.’

સ્પોર્ટ્સ મિનિસ્ટર ડૉ. મનસુખ માંડવિયાએ પણ 28 વર્ષીય શૂટર સ્વપ્નિલ કુસાળેને ઐતિહાસિક સિદ્ધિ બદલ સોશિયલ મીડિયામાં અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે તેની આ સિદ્ધિએ અમને બધાને ગૌરવ અપાવ્યું છે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button