સ્પોર્ટસ

હાશ! છેવટે ટ્રોફીને સ્પર્શ કરવાનો સારો અહેસાસ તો કરવા મળ્યોઃ સૂર્યકુમારે પાકિસ્તાનના નકવી માટે કરી ટકોર

બ્રિસ્બેનઃ સપ્ટેમ્બરના એશિયા કપમાં પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગા સાથે હાથ ન મિલાવીને ભારતના ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે આખા પાકિસ્તાનનું નાક કાપ્યું હતું અને એ હૅન્ડશેક વિવાદ' તથા ટ્રોફી વિવાદ’ પાકિસ્તાન માટે મોટી નામોશી લઈને આવ્યો હતો અને એ સ્પર્ધા પૂરી થયાને મહિનો થઈ ગયો ત્યાર પછી પણ સૂર્યકુમારે (Suryakumar) પાકિસ્તાનને વધુ બદનામ કરવાની તક જતી નથી કરી. બ્રિસ્બેનમાં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ 2-1થી જીત્યા પછી ટ્રોફી સ્વીકાર્યા બાદ સૂર્યાએ પાકિસ્તાન બોર્ડના ચૅરમૅન મોહસિન નકવી (Naqvi)ને નિશાન બનાવવાના ઇરાદાથી પત્રકારોને કહ્યું, ` હાશ! છેવટે હાથમાં ટ્રોફી આવી ખરી. આ ટ્રોફી અપાઈ રહી હતી ત્યારે મને બહુ આનંદ થતો હતો. ટ્રોફીને સ્પર્શ કરવાનો અહેસાસ તો કરવા મળ્યો. થોડા દિવસ પહેલાં ભારતમાં જે બહુમૂલ્ય (વર્લ્ડ કપની) ટ્રોફી આવી હતી એ અમારી મહિલા ટીમે જીતી લીધી. હવે આ ટ્રોફીને અડીને પણ સારું લાગી રહ્યું છે.’

સૂર્યાનું આ નિવેદન ભલે હળવી મજાક જેવું લાગે, પણ એમાં ભારતીય કૅપ્ટનની નિરાશા અને વ્યંગ સાફ જણાઈ આવે છે.

આ પણ વાંચો: મૅચ ધોવાઈ ગઈ, પણ સૂર્યકુમારે મેળવી રોહિત જેવી આ મોટી સિદ્ધિ

28મી સપ્ટેમ્બરે દુબઈમાં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારત એશિયન ચૅમ્પિયન બન્યું એને પગલે સૂર્યાએ નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડી એટલે નકવીએ ભારતના હકની ટ્રોફી ગુમ કરી નાખી હતી.

ભારતના હકની એશિયા કપ ટ્રોફી ટીમ ઇન્ડિયા સુધી કેવી રીતે પહોંચે એ મુદ્દે ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વિકલ્પ શોધી રહ્યા છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button