સ્પોર્ટસ

ભારતનો ટી-20 કૅપ્ટન અચાનક બદલી નાખવામાં આવશે? કેમ આવો રિપોર્ટ વાઇરલ થયો?

મુંબઈઃ ભારતની ટી-20 ટીમ સાથે સંકળાયેલો એક ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે. સ્વાભાવિક રીતે આ સમાચાર સૂર્યકુમાર યાદવને લગતા જ છે. એક જાણીતા અખબારના રિપોર્ટ મુજબ સૂર્યાની કૅપ્ટન્સી છીનવાઈ જશે એવી સંભાવના છે.
ભારતે તાજેતરમાં જ ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝ 4-1થી જીતી લીધી. કહેવાય છે કે ટી-20 ટીમનું સુકાન સૂર્યા પાસેથી લઈને હાર્દિક પંડ્યાને સોંપાશે એવી શક્યતા છે. આનું મુખ્ય કારણ એ છે કે સૂર્યકુમાર હાલમાં ખરાબ ફૉર્મમાં છે. તે જ્યારથી ટી-20 ટીમનો કૅપ્ટન બન્યો છે ત્યારથી તેનો પર્ફોર્મન્સ નબળો પડી ગયો છે. અગાઉ તેના બૅટમાંથી રનનો ઢગલો થતો હતો, પણ થોડા સમયથી એવું નથી જોવા મળી રહ્યું.

બીજી તરફ, હાર્દિક પંડ્યા બૅટ અને બૉલ બન્નેમાં સારું પર્ફોર્મ કરી રહ્યો છે. હાર્દિક નેતૃત્વની જવાબદારી વચ્ચે પણ સારું પર્ફોર્મ કરી શકે છે એવું ધ્યાનમાં આવતા આ અહેવાલ વાઇરલ થયો છે.

આ પણ વાંચો : ‘અભિષેક શર્મા વધુ મહેનત નથી કરી રહ્યો…’, આટલા સારા પ્રદર્શન છતાં હરભજન સિંહે આવું કેમ કહ્યું?

ઇગ્લૅન્ડ સામેની પાંચ ટી-20માંથી પ્રથમ મૅચમાં સૂર્યકુમાર ઝીરોમાં આઉટ થયો હતો, બીજી ટી-20માં 12 રન બનાવ્યા હતા, ત્રીજી ટી-20માં 14 રન બનાવી શક્યો હતો, ચોથીમાં ફરી શૂન્યમાં આઉટ થઈ ગયો હતો અને છેલ્લી ટી-20માં માત્ર બે રન બનાવીને પૅવિલિયનમાં પાછો આવી ગયો હતો. અગાઉ ભલભલા બોલરની ઍનેલિસિસ બગાડી નાખતો સૂર્યકુમાર આ વખતે પાંચ મૅચમાં કુલ ફક્ત 28 રન બનાવી શક્યો. આવું જ તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં રોહિત શર્માના કિસ્સામાં બન્યું હતું જે ત્રણ ટેસ્ટમાં કુલ ફક્ત 31 રન બનાવી શક્યો હતો.

નવાઈની વાત એ છે કે ઇંગ્લૅન્ડના બોલર્સે સૂર્યકુમાર કરતાં વધુ રન બનાવ્યા હતા. સિરીઝના ટોચના 15 બૅટર્સની વાત કરીએ તો છેલ્લા એટલે કે 15મા નંબરે વૉશિંગ્ટન સુંદર (32 રન) હતો. આ 15 બૅટર્સમાં સૂર્યાનું નામોનિશાન નહોતું.

ઇંગ્લૅન્ડની પહેલાં સાઉથ આફ્રિકા અને શ્રીલંકા સામે પણ સૂર્યા સારું નહોતો રમી શક્યો. ભારતે આ ત્રણેય સિરીઝ જીતી લીધી, પરંતુ સૂર્યાના ખરાબ ફૉર્મની ખૂબ ચર્ચા થઈ રહી છે. ભારતીય ક્રિકેટના અને સૂર્યાના ચાહકો હેરાન-પરેશાન છે. જોઈએ હવે બીસીસીઆઇ શું નિર્ણય લેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button