સૂર્યકુમારે જર્મનીમાં સર્જરી બાદ 20 મિનિટ પછી રોહિતની બૅટિંગ માણી
બર્લિન: ટી-20 ઇન્ટરનૅશનલનો વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવ હાલમાં ભારતીય ટીમ સાથે જોડાયેલો તો નથી, પણ બુધવારે રાત્રે તે જર્મનીથી આઇપૅડ મારફત અફઘાનિસ્તાન સામેની અભૂતપૂર્વ મૅચની ભારતીય ઇનિંગ્સ સાથે આડકતરી રીતે જોડાયો હતો. એ રીતે પોતે સાથીઓથી દૂર યુરોપના દેશમાં છે એવું તેણે તેમને કે ભારતીય ટીમના કરોડો ક્રિકેટપ્રેમીઓને નહોતું લાગવા દીધું.
સૂર્યાને આમ તો ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વન-ડેમાં પગની ઘૂંટીની ઈજા થઈ હતી જેને કારણે તે મેદાનથી દૂર થઈ ગયો હતો, પરંતુ બુધવારે તેણે જર્મનીમાં સાથળમાં સર્જરી કરાવી હતી જેને લીધે તે હજી ઘણા અઠવાડિયા નહીં રમી શકે. ગ્રોઇનનું આ ઑપરેશન થઈ ગયું ત્યાર બાદ તેને ખબર પડી કે રોહિત શર્માની બૅટિંગ માણવાની તક ચૂકવા જેવી નથી. તેણે સર્જરી પછીની અમુક વિધિ માટે 20 મિનિટનો સમય ગયો ત્યાર પછી તેણે તરત જ આઇપૅડ ઑન કરીને રોહિતની રેકૉર્ડ-બ્રેકિંગ ઇનિંગ્સ માણી હતી.
સૂર્યાની પત્ની દેવિશા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલી સ્ટોરીમાં પતિદેવ વિશે લખ્યું છે, ‘જુઓ તો ખરા, એની સર્જરી હજી થોડી વાર પહેલા જ પૂરી થઈ. માંડ 20 મિનિટ થઈ છે અને વિચારો તે શું કરી રહ્યો હશે. તે ભારતની મૅચ માણી રહ્યો છે.’
રોહિતની બૅટિંગ માણતી વખતે સૂર્યાના ચહેરા પર વારંવાર સ્મિત છલકાતું હતું. રોહિતે 69 બૉલમાં આઠ સિક્સર અને અગિયાર ફોરની મદદથી અણનમ 121 રન બનાવ્યા હતા અને પછી બંને સુપર ઓવરમાં પણ ખૂબ ખીલ્યો હતો અને ભારતને વિજય અપાવીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.
દેવિશાએ ઇન્સ્ટા પર હસબન્ડ વિશે હૃદયસ્પર્શી કૅપ્શન પણ લખી છે, ‘માય સ્ટ્રૉન્ગ બૉય. તું એકદમ શાંત પડી ગયો અને કંઈ રિસ્પૉન્સ નહોતો આપતો એ જોઈને હું ચિંતામાં મુકાઈ ગઈ હતી. જોકે થોડી વાર પછી તેં આંખ ખોલી અને મારી તરફ જોઈને થોડું હસ્યો એટલે હું ખુશ થઈ ગઈ હતી. તારું એક સ્માઇલ જ મારા માટે પૂરતું હતું. તને ફરી મેદાન પર રમતો જોવા હું ખૂબ આતુર છું.’
સૂર્યકુમારની સર્જરી સ્પોર્ટ્સ હર્નિયા તરીકે પણ ઓળખાય છે અને જર્મન એક્સપર્ટ્સના નિદાન પછીની સર્જરી ખૂબ સરળ અને સફળ રહી હતી. તે લગભગ આઠ-નવ અઠવાડિયા નહીં રમી શકે. માર્ચ-મેની આઇપીએલમાં રમશે કે કેમ એ મોટો સવાલ છે.