સ્પોર્ટસ

શૂટિંગમાં સુરુચિની ` સુવર્ણ હૅટ-ટ્રિક’

મનુ ભાકર કૉમેન્ટરી બૉક્સમાંઃ હરિયાણાની ટીનેજ શૂટરની ખૂબ પ્રશંસા કરી

મ્યૂનિકઃ 19 વર્ષની સુરુચિ નામની શૂટરે મહિલાઓના શૂટિંગ વર્લ્ડ કપમાં સતત ત્રીજા તબક્કામાં વ્યક્તિગત સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીતીને સનસનાટી મચાવી દીધી છે. તેણે 10 મીટર ઍર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં ફ્રાન્સની પૅરિસ ઑલિમ્પિક સિલ્વર-મેડલિસ્ટ કૅમિલી જેડ્રેજેવ્સ્કીને માત્ર 0.2 પૉઇન્ટ માટે પાછળ રાખીને સુવર્ણચંદ્રક પર કબજો કરી લીધો હતો.

આઇએસએસએફ (ISSF L) વર્લ્ડ કપ (WORLD CUP) તરીકે ઓળખાતી આ સ્પર્ધાની ફાઇનલમાં કુલ આઠ સ્પર્ધકો હતી અને એમાં સુરુચિએ 241.9 શૉટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. કૅમિલી (241.7) બીજા સ્થાને આવતાં સિલ્વર જીતી હતી, જ્યારે ચીનની યાઓ કિઆનઝુઆન (221.7) ત્રીજા નંબરે રહી હતી અને બ્રૉન્ઝ જીતી હતી.

https://twitter.com/OfficialNRAI/status/1933495396195840369

શૂટિંગનો આ વર્લ્ડ કપ ત્રણ તબક્કામાં યોજાય છે અને નૅશનલ રેકૉર્ડ ધારક સુરુચિ મ્યૂનિકના ત્રીજા તબક્કા અગાઉના બ્યૂનૉસ એરીઝ અને લિમા ખાતે પોતાના ડેબ્યૂ વર્લ્ડ કપ તબક્કાઓમાં પણ સુવર્ણચંદ્રક જીતી લીધા હતા.

એ સાથે, હરિયાણાની સુરુચિએ હવે 19 વર્ષની ઉંમરે પોતાના પહેલા જ આઇએસએસએફ વર્લ્ડ કપના ત્રણેય તબક્કાના ગોલ્ડ મેડલ સાથે તરખાટ મચાવી દીધો છે.

https://twitter.com/RevSportzGlobal/status/1933495729085165653

આ વિશ્વ કપ માટેના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં સુરુચિ 588 શૉટ સાથે બીજા નંબરે હતી. એ સાથે, તેણે બે ઑલિમ્પિક મેડલ જીતનાર મનુ ભાકરના રાષ્ટ્રીય વિક્રમની બરાબરી કરી હતી. ચીનની યાઓ (જે ફાઇનલમાં બ્રૉન્ઝ જીતી) ક્વૉલિફિકેશનમાં 589 શૉટ સાથે મોખરે હતી, જ્યારે મનુ ભાકર 574 શૉટ સાથે છેક 21મા નંબરે હતી.

મનુ ભાકર ફાઇનલ વખતે કૉમેન્ટરી બૉક્સમાં હતી અને તેણે સુરુચિના ગોલ્ડ મેડલ બદલ તેની ખૂબ પ્રશંસા કરી હતી. મનુએ કહ્યું હતું કે `સુરુચિ શરૂઆતમાં થોડી નર્વસ હતી, પણ પછી તેણે પૂરા આત્મવિશ્વાસ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button