સુરેશ રૈનાએ હેડ-કોચ ગૌતમ ગંભીરના બચાવમાં કહ્યું કે…

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા ઘરઆંગણે છેલ્લી ત્રણ ટેસ્ટ-સિરીઝમાં પ્રવાસી ટીમના હાથે થનારા બીજા વાઇટવૉશની નામોશીની દિશામાં જઈ રહી છે ત્યારે ટીમ (Team)ની આ હાલત બદલ હેડ-કોચ ગૌતમ ગંભીર (Gambhir)ની ખૂબ ટીકા થઈ રહી છે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના (Raina)એ ગંભીરના બચાવમાં નિવેદનો આપ્યા છે.
એક વર્ષ પહેલાં હોમ-ગ્રાઉન્ડ પર ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતનો 0-3થી વાઇટવૉશ થયો હતો. ત્યાર બાદ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી ભારતે 2-0થી જીતી લીધી હતી, પણ હવે સાઉથ આફ્રિકા સામે 0-2ના વાઇટવૉશની સંભાવના છે.

રૈનાએ પીટીઆઇ વીડિયૉઝને જણાવ્યું, ` ટીમ ઇન્ડિયાના હાલના ખરાબ પર્ફોર્મન્સ બદલ સપોર્ટ સ્ટાફ પર દોષનો ટોપલો ન ઢોળાય, કારણકે મૅચના પરિણામોની જવાબદારી ખેલાડીઓએ ઉપાડવી જોઈએ. ગોઉટી ભૈયા (ગૌતમ ગંભીર)એ ટીમના પર્ફોર્મન્સ માટે ઘણી મહેનત કરી છે અને તેમનો કોઈ જ દોષ નથી. ખેલાડીઓએ વધુ મહેનત કરીને સારું રમવું જોઈએ. ગંભીરના કોચિંગમાં ટીમ ઇન્ડિયા વાઇટ-બૉલ ક્રિકેટમાં સારું રમી જ રહી છે જેમાં આપણે તાજેતરમાં વન-ડેની આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી અને ત્યાર પછી ટી-20નો એશિયા કપ પણ જીતી લીધો હતો.’
રૈનાએ દિલ્હીમાં એક સ્પોર્ટ્સ ઇવેન્ટ દરમ્યાન ગંભીરની તરફેણમાં વધુમાં કહ્યું, ` કોચ માત્ર માર્ગદર્શન આપી શકે, સલાહ આપી શકે અને સપોર્ટ આપી શકે. રન તો ખેલાડીઓએ જ કરવાના હોય. જો ખેલાડીઓને કોઈ સમસ્યા નડતી હોય તો એ વિશે તેમણે કોચ સાથે ચર્ચા કરવી જોઈએ. જો ખેલાડીઓ સારું રમે તો કોચની પણ વાહ-વાહ થતી હોય છે, પણ જો ટીમ સારું પર્ફોર્મ ન કરે તો કોચની હકાલપટ્ટી કરી દેવા સુધીની વાતો થવા લાગે છે. આવું ન હોવું જોઈએ. હું ગૌતમ ભૈયા સાથે રમ્યો છું. તેને ક્રિકેટ બેહદ પ્રિય છે અને ભારતીય ક્રિકેટ ટીમ પણ હંમેશાં તેમના દિલમાં વસે છે. ગૌતમ ભૈયા સાથે હું વર્લ્ડ કપ જીતી ચૂક્યો છું. કોચ તરીકે તેઓ બહુ સારું કરી રહ્યા છે એટલે ટીમના પરાજય માટે ખેલાડીઓએ જવાબદારી ઉપાડી લેવાની જરૂર છે.’
આપણ વાંચો: ગૌતમ ગંભીરનાં કોચિંગની જરૂર નથી! આઈસલેન્ડ ક્રિકેટ બોર્ડે આવી મજાક કેમ કરી?



