
સુરત: Women IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) પર સટ્ટો રમતા 10 લોકોને સુરત પોલીસે સકંજામાં લીધા છે. પોલીસ દ્વારા 41 મોબાઈલ, 8 લેપટોપ, અને અલગ અલગ બેન્કોના ATM કાર્ડ સહિત 8 લાખ 31 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અટક કરેલા આરોપીઓ પાસેથી 20 કરોડના લેવડ દેવડનો હિસાબ મળવાનો પોલીસનો દાવો છે.
જાણકારી મુજબ, પલસાણાના PI એ ડી ચાવડા અને હેડ કોન્સટેબલ મેરુ ભાઈને બાતમી મળી હતી કે કારેલી ગામ પાસે ફ્લાવર વેલી સોસાયટીનો રહેવાસી કરણસિંહ ઉદારામે એક નકલી કંપની બનાવી છે અને તેનું બેંકમાં ખાતું પણ ખોલાવ્યું છે.
તેઓ ચાલી રહેલી મહિલા IPL લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચાલી રહેલી 20-20 ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટો રમી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે તેના ઠેકાણા પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે આ 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની સામે પલસાણા પોલીસ મથકમાં એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
ALSO READ: WPLની મેચ જોવા પહોંચી કેટરિના કૈફ, બહેન સાથેની તસવીરો વાઈરલ
પોલીસ ઝબ્બે ચડેલા દુદારામ મેઘારામ ચૌધરી મહેશની ઉંમર 21 વર્ષ છે. તે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો છે. આ ઉપરાંત શુભમ શ્યામલાલ ભગત, પિંકેશ કુમાર, વિનોદ કુમાર ભગત, સિયારામ કૃપારામ જાટ, પ્રકાશ કુમાર અસલાજી ચૌધરી, સોનારામ ભોલારામ જાટ, પ્રભુરામ લગારામ જાટ, કિશન મેઘારામ જાટ, પુનારામ ઉદારામ ચૌધરી અને એક સગીર છોકરો છે.
સુરત ગ્રામ્ય એસપી હિતેશ જોયશરે જણાવ્યું હતું કે તેમના જ ઘરમાં મહિલા IPL T20 ક્રિકેટ મેચ પર સટ્ટાબાજીના આ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે, જે અન્ય લોકોના નામે કંપનીઓ બનાવીને અને અલગ-અલગ બેંક ખાતા ખોલાવીને ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો. પોલીસને 15 જેટલા બેંક કરંટ એકાઉન્ટ મળી આવ્યા છે.