સ્પોર્ટસ

સુનીલ છેત્રી (Sunil Chhetri)નું નામ રેકૉર્ડ-બુકમાં રોનાલ્ડો (Ronaldo) અને મેસી (Messi) પછી ત્રીજા નંબરે શા માટે છે?

છેત્રી પાંચ ભાષા કડકડાટ બોલી જાણે છે: ખેલરત્ન પુરસ્કાર મેળવનાર તે પ્રથમ ફૂટબૉલર છે

નવી દિલ્હી: ભારતીય ફૂટબૉલના લેજન્ડરી ખેલાડી સુનીલ છેત્રીએ રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે. છઠ્ઠી જૂને કુવૈત સામે ફિફા વર્લ્ડ કપની ક્વૉલિફાઇંગ મૅચ રમીને તે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિ લઈ લેશે. એ સાથે, તેની શાનદાર અને દેશને અનેક ગૌરવ અપાવતી કારકિર્દી પર પડદો પડી જશે. છેત્રી હાલમાં વિશ્ર્વના ટોચના ફૂટબૉલ ખેલાડીઓમાં પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાના લિયોનેલ મેસીવાળી ઐતિહાસિક યાદીમાં સ્થાન ધરાવે છે. 50 કે વધુ ઇન્ટરનૅશનલ ગોલ કરી ચૂકેલા વિશ્ર્વભરના ખેલાડીઓમાં હાલમાં જે ફૂટબોલર્સની કરીઅર હજી ચાલુ છે એમાં ભારતનો કેપ્ટન સુનીલ છેત્રી ત્રીજા નંબરે છે. આ અનેરી યાદીમાં રોનાલ્ડો 128 ગોલ સાથે પ્રથમ નંબરે અને મેસી 106 ગોલ સાથે બીજા નંબરે છે. તેમના પછી છેત્રી 94 ગોલ સાથે ત્રીજા સ્થાને છે.

ટોચના ફૂટબૉલર્સની યાદીમાં ઇરાનનો અલી દાઇ (રોનાલ્ડો પછી) બીજા ક્રમે છે, પરંતુ તે નિવૃત્ત થઈ ચૂક્યો હોવાથી તેનું નામ વર્તમાન ફૂટબૉલર્સમાં ન લઈ શકાય.

આંધ્ર પ્રદેશના સિકંદરાબાદમાં જન્મેલો છેત્રી 39 વર્ષનો છે. તેની 20 વર્ષની કરીઅર અસાધારણ રહી છે. તે 2005માં પહેલી વાર ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. તે ફૉર્વર્ડ પ્લેયર છે અને પ્રોફેશનલ લીગમાં બેન્ગલૂરુની ટીમ વતી રમે છે.

151 ઇન્ટરનૅશનલ મૅચમાં તેણે 94 ગોલ કર્યા છે. તે 2002થી 2024 સુધીની સમગ્ર કારકિર્દી દરમ્યાન મોહન બગાન, જેસીટી, બેન્ગલૂરુ, ઇસ્ટ બેન્ગાલ, મુંબઈ સિટી સહિતની ઘણી ક્લબ ટીમો વતી પણ રમ્યો છે. મુંબઈ સિટી હાલમાં ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ની ચૅમ્પિયન ટીમ છે.

ક્ષત્રિય પરિવારનો સુનીલ છેત્રી 2011માં અર્જુન અવૉર્ડ, 2019માં પદ્મશ્રી અને 2021માં ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત થયો હતો. ખેલરત્ન અવૉર્ડ મેળવનાર તે પ્રથમ ફૂટબોલર છે.

સુનીલ છેત્રીના પપ્પા કે. બી. છેત્રી ભારતીય લશ્કરમાં એન્જિનિયર હતા અને તેઓ ઇન્ડિયન આર્મી વતી, સુનીલના મમ્મી સુશીલા છેત્રી તથા સુનીલની ટ્વિન સિસ્ટર નેપાળ વિમેન્સ ટીમ વતી ફૂટબૉલ રમ્યા હતા. સુનીલ છેત્રી નાનપણમાં દાર્જીંલિંગમાં રહેતો હતો અને ત્યાં જ ભણ્યો હતો. નાનપણમાં સ્કૂલ ટીમ સહિત ઘણી ટીમો વતી ફૂટબૉલ રમીને તેણે એમાં જ કરીઅર બનાવવાનો દૃઢ નિર્ધાર કર્યો હતો. સુનીલ છેત્રી પાંચ ભાષા (અંગ્રેજી, હિન્દી, નેપાળી, બેન્ગાલી, કન્નડ) કડકડાટ બોલી જાણે છે. તે મરાઠી, કોંકણી અને તેલુગુ ભાષા સમજી પણ શકે છે.

2018માં છેત્રીને ‘એશિયન આઇકન’ ઘોષિત કરવામાં આવ્યો હતો. એ પહેલાં, 2017માં તેણે ભૂતપૂર્વ ફૂટબૉલ ખેલાડી સુબ્રટા ભટ્ટાચાર્યની પુત્રી સોનમ ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર છે જેનું નામ ધ્રુવ છે અને તે નવ મહિનાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button