આ ભારતીય સ્પિનરની અગાઉ ચાર ટેસ્ટમાં માત્ર છ વિકેટ, હવે એક જ દાવમાં કર્યા સાત શિકાર

પુણે: સ્પિન-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને સવાત્રણ વર્ષે ફરી ટેસ્ટમાં રમવાનો મોકો મળ્યો અને એનો તેણે પૂરો ફાયદો ઉઠાવી લીધો. અહીં મહારાષ્ટ્ર સ્ટેટ ઍસોસિયેશનના મેદાન પર તેણે ન્યૂ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પહેલા દાવમાં 59 રનમાં સાત વિકેટ લીધી હતી. ન્યૂ ઝીલૅન્ડ પહેલા દાવમાં 79.1 ઓવરમાં 259 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.
ખાસ વાત તો એ છે કે ભારતે 259 રનમાં કિવીઓની જે દસ વિકેટ લીધી એમાંથી સાત વિકેટ વૉશિંગ્ટને મેળવી હતી. બીજી ત્રણ રવિચન્દ્રન અશ્ર્વિને લીધી હતી. ખરું કહીએ તો 10માંથી પહેલી ત્રણ વિકેટ અશ્ર્વિને અને ત્યાર પછીની તમામ સાત વિકેટ વૉશિંગ્ટને લીધી.
એ રીતે, ન્યૂ ઝીલૅન્ડની ટીમ પર પૂર્ણપણે ભારતીય સ્પિનર્સનું વર્ચસ્વ રહ્યું. જોકે બે કિવી બૅટર હાફ સેન્ચુરી ફટકારીને ભારતીય ટીમને થોડો ઘણો વળતો જવાબ આપવામાં પણ સફળ થયા હતા.
ઓપનર ડેવૉન કૉન્વે (76 રન, 141 બૉલ, અગિયાર ફોર) અને રાચિન રવીન્દ્ર (65 રન, 105 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 62 રનની અને રાચિન તથા ડેરિલ મિચલ (18 રન, 54 બૉલ) વચ્ચે 59 રનની ભાગીદારી થઈ હતી.
વૉશિંગ્ટન સુંદર આ પહેલાં માર્ચ 2021માં ટેસ્ટ મૅચ રમ્યો હતો. ત્યારે તે ચાર ટેસ્ટના સાત દાવમાં કુલ 299 રનમાં છ વિકેટ લઈ શક્યો હતો, જયારે આજે તેણે કમબૅક પછીના પહેલા જ દાવમાં 59 રનમાં સાત વિકેટનો તરખાટ મચાવ્યો.
Also Read – પુણે ટેસ્ટમાં કૉન્વે અડીખમ, પણ અશ્વિન અસરદાર
અહીં પુણેમાં ત્રીજો સ્પિનર રવીન્દ્ર જાડેજા (18-0-53-0) વિકેટ નહોતો લઈ શક્યો, પણ તેણે કિવી બૅટર્સને અંકુશમાં જરૂર રાખ્યા હતા. જસપ્રીત બુમરાહ (8-2-32-0) તથા આકાશ દીપ (6-0-41-0)ને પણ વિકેટ નહોતી મળી.
ભારતે આ મૅચ માટે ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. શુભમન ગિલ ઈજામુક્ત થયા બાદ ટીમમાં પાછો આવ્યો છે. કેએલ રાહુલ ઉપરાંત કુલદીપ યાદવને અને મોહમ્મદ સિરાજને ડ્રૉપ કરવામાં આવ્યા છે. ટીમમાં કમબૅક કરનાર ગિલ ઉપરાંતના બીજા બે પ્લેયરમાં વૉશિંગ્ટન તેમ જ આકાશ દીપનો સમાવેશ છે.