સ્પોર્ટસ

ભારતનું અઝલાન શાહ હૉકીમાં છ વર્ષ બાદ ધમાકેદાર કમબૅક…

ઇપોહ (મલયેશિયા): અહીં રવિવારે સુલતાન અઝલાન (Azlan) શાહ કપ હૉકી ટૂર્નામેન્ટની પ્રારંભિક મૅચમાં ભારતે ત્રણ વખત ચૅમ્પિયન બનેલા દક્ષિણ કોરિયાને અત્યંત રોમાંચક મુકાબલામાં 1-0થી હરાવીને વિજયી ગણેશ કર્યા હતા. છ વાર ચૅમ્પિયન બનેલું ભારત છેલ્લે 2019માં આ સ્પર્ધામાં રમ્યું હતું જેમાં ભારત રનર-અપ રહ્યું હતું, જ્યારે કોરિયા ચૅમ્પિયન બન્યું હતું અને હવે તેને ભારતે નવી ટૂર્નામેન્ટની શરૂઆતમાં પરાજિત કર્યું છે.

ભારત વતી અને મૅચનો એકમાત્ર ગોલ મોહમ્મદ રાહીલે મૅચના આરંભ બાદ 15મી મિનિટમાં જ કર્યો હતો. ત્યાર પછી ભારતીયો વધુ ગોલ નહોતા કરી શક્યા, પરંતુ ભારતની મજબૂત સંરક્ષણ દીવાલને કારણે દક્ષિણ કોરિયાના ખેલાડીઓ સ્કોરને બરાબરીમાં પણ નહોતા લાવી શક્યા અને છેવટે હારી બેઠા હતા.

ભારત છ વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં ફરી રમી રહ્યું હોવાથી દક્ષિણ કોરિયાના ખેલાડીઓ વધુ પડતા આત્મવિશ્વાસથી રમી રહ્યા હતા. જોકે દિલપ્રીત સિંહે ભારે જહેમત ઉઠાવીને રાહીલ માટે ગોલ કરવાનું આસાન કરી નાખ્યું હતું અને રાહીલે (Raheel) ગોલ કરી દેખાડ્યો હતો. ખરેખર તો ભારતની આ ` બી’ સ્તરની ટીમ છે અને એણે કોરિયાની પડકારરૂપ ટીમને માત આપી હતી.

મેન ઇન બ્લૂની ટીમમાં મિડફીલ્ડમાં અભિષેક અને કૅપ્ટન સંજયનું પ્રભુત્વ હતું. તેમણે વારંવાર કોરિયન ખેલાડીઓને આગળ વધતા રોક્યા હતા. સોમવારે ભારતનો મુકાબલો બેલ્જિયમ સામે છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button