IND VS AUS: ભારત સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ સ્ટીવ સ્મિથનો યૂ-ટર્નઃ હવે લીધો આ નિર્ણય…

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાનો અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથ ભારત સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાં તેના પસંદગીના નંબર ચોથા ક્રમ પર બેટિંગ કરશે. નેશનલ સિલેક્ટર જ્યોર્જ બેઈલીએ આજે આ વાતની પુષ્ટી કરી હતી. આ વર્ષે ઓપનર ડેવિડ વોર્નરની નિવૃત્તિ બાદથી સ્મિથે જાતે જ ઓપનિંગ કરવાની શરૂઆત કરી હતી. જોકે હવે તેણે યૂ-ટર્ન લીધો છે અને તે હવે ચોથા નંબર પર બેટિંગ કરશે.
આ પણ વાંચો : કેમરૂન ગ્રીનની ઇજાથી બેનક્રોફ્ટને ટેસ્ટ ટીમમાં વાપસીનો માર્ગ મોકળો…
તેણે તેની નવી ભૂમિકામાં તેની બીજી ટેસ્ટમાં અણનમ 91 રન કર્યા હતા પરંતુ ન્યૂ ઝીલેન્ડ સામેની શ્રેણીમાં તે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે ચાર ઇનિંગ્સમાં માત્ર 51 રન કર્યા હતા.
બેઇલીએ કહ્યું હતું કે પેટ કમિન્સ, એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ અને સ્ટીવ સ્મિથ સાથે સતત વાતચીત થઈ રહી છે. સ્ટીવે ઈનિંગ્સ શરૂ કરવાને બદલે મિડલ ઓર્ડરમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પેટ અને એન્ડ્રુએ પુષ્ટી કરી કે તે આ સીઝનમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે.
બેઇલીએ એ નથી કહ્યું કે તે કયા નંબર પર ઉતરશે, પરંતુ તે ચોથા નંબર પર ઉતરશે તે નિશ્ચિત જણાય છે. તેનું કારણ એ પણ છે કે તેના સ્થાને ચોથા નંબર પર આવેલો કેમરૂન ગ્રીન પીઠની સર્જરીને કારણે છ મહિના માટે મેદાનની બહાર રહેશે.
આ પણ વાંચો : ભારત સામેની ટેસ્ટ સીરિઝ પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો, આ ખતરનાક ઑલરાઉન્ડર થયો બહાર…
આનો અર્થ એ થયો કે ઓસ્ટ્રેલિયાએ હવે નવો ઓપનિંગ બેટ્સમેન શોધવો પડશે. પસંદગીકારોની નજર ભારત-એ સામે ઓસ્ટ્રેલિયા-એના પ્રદર્શન પર રહેશે જેમાં કેમરૂન બેનક્રોફ્ટ, સેમ કોન્સ્ટાસ અને માર્કસ હેરિસ પણ ઉસ્માન ખ્વાજા સાથે ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદગી માટે દાવેદાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થશે.