સ્ટીવ સ્મિથને ટી-20 વર્લ્ડ કપમાં ન રમવા મળ્યું એટલે પાકિસ્તાન…

મેલબર્નઃ ઑસ્ટ્રેલિયાનો પીઢ બૅટ્સમૅન સ્ટીવ સ્મિથ (STEVE SMITH) બહુ સારા ફૉર્મમાં છે એમ છતાં તેને શનિવારે શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ માટેની ઑસ્ટ્રેલિયન ટીમમાં ન સમાવવામાં આવ્યો એટલે તેણે પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમવાનું નક્કી કરી લીધું છે અને તેને આ લીગમાં સિયાલકોટ (SIALKOT) સ્ટૅલિયૉન્ઝ નામની ટીમમાં સીધી એન્ટ્રી મળી ગઈ છે. નવાઈની વાત એ છે કે ખુદ પાકિસ્તાન હાલમાં વર્લ્ડ કપમાં ભાગ લેવા સંબંધમાં વિવાદમાં ફસાયું છે.
પીએસએલના ઇતિહાસમાં 11મી ફેબ્રુઆરીએ (બુધવારે) પહેલી જ વખત ખેલાડીઓની હરાજી થવાની છે, પરંતુ સ્ટીવ સ્મિથને સિયાલકોટના ફ્રૅન્ચાઇઝીએ તેને સાઇન કરી લીધો છે. દરેક ફ્રૅન્ચાઇઝીને હરાજી પહેલાં એક ખેલાડી સાઇન કરવાની છૂટ છે.
આપણ વાચો: ટ્રૅવિસ હેડે ઑસ્ટ્રેલિયાને ઐતિહાસિક વિજય અપાવ્યો છતાં સ્ટીવ સ્મિથના નિવેદને સૌને ચોંકાવી દીધા…
સ્ટીવ સ્મિથે તાજેતરની બિગ બૅશ લીગ (બીબીએલ)માં છ ઇનિંગ્સમાં 299 રન કર્યા હતા. 36 વર્ષના સ્મિથે ટી-20 આંતરરાષ્ટ્રીય સહિત સમગ્ર ટી-20 ફૉર્મેટમાં કુલ 242 ઇનિંગ્સમાં પાંચ સેન્ચુરી અને 30 હાફ સેન્ચુરીની મદદથી કુલ 6,242 રન કર્યા છે અને 131.38 તેનો સ્ટ્રાઇક-રેટ છે. તેણે તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ ટેસ્ટ સિરીઝની આઠ ઇનિંગ્સમાં કુલ 286 રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાએ એ શ્રેણી 4-1થી જીતી લીધી હતી.
સ્ટીવ સ્મિથે થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે તેને 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં રમવું જ છે. એ રમતોત્સવમાં ક્રિકેટનું પુનરાગમન થવાનું છે અને સ્મિથ એમાં રમવા માગે છે. ઑલિમ્પિક્સમાં ટી-20 ટૂર્નામેન્ટ થવાની છે. જોકે સ્મિથે થોડા દિવસ પહેલાં એવો સંકેત પણ આપ્યો હતો કે ` હું ક્રિકેટમાં મારા ભાવિ વિશે રોજબરોજના વળાંકોને આધારે નિર્ણય લઈશ. બની શકે કે એક દિવસ હું સવારે જાગીને નક્કી કરી લઉં કે બસ, હવે મારે વધુ નથી રમવું.’



