સ્પોર્ટસ

શ્રીલંકાના નામાંકિત બોલરે અમ્પાયરને બીજી નોકરી શોધી લેવા કહ્યું, આઇસીસીના નિયમને પણ પડકાર્યો

દામ્બુલા: શ્રીલંકાના ટોચના સ્પિનર વનિન્દુ હસરંગાએ હજી બે દિવસ પહેલાં અનેરી સિદ્ધિ મેળવીને દેશને ગૌરવ અપાવ્યું, પણ એ પછી જે કંઈ થયું એ તેના અસંખ્ય ચાહકોને પણ નહીં ગમ્યું હોય.

હસરંગાએ સોમવારે સૌથી ઓછી ટી-20માં 100 વિકેટ લેવાનો લસિથ મલિન્ગાનો શ્રીલંકન વિક્રમ તોડ્યો હતો.
બુધવારે દામ્બુલામાં શ્રીલંકાને અફઘાનિસ્તાન સામેની ત્રીજી ટી-20 પણ જીતીને 3-0થી ક્લીન સ્વીપ કરવાની તક હતી, પરંતુ એવું નહોતું થઈ શક્યું. અધૂરામાં પૂરું, હસરંગાએ મૅચ પછી અમ્પાયરને લઈને વિવાદ જગાડ્યો હતો.

અફઘાનના બોલર વફાદાર મોમાન્દના બૉલનો શ્રીલંકાના બૅટર કામિન્દુ મેન્ડિસે સામનો કરવાનો હતો. વફાદારનો એ બૉલ મેન્ડિસની કમરથી ઘણો ઊંચો હતો. આઇસીસીની પ્લેઇંગ કન્ડિશન્સ મુજબ એ નો બૉલ હતો, પણ શ્રીલંકન અમ્પાયર લિન્ડૉન હૅનિબેલે નો બૉલ નહોતો આપ્યો.

શ્રીલંકાએ જીતવા ત્રણ બૉલમાં ફક્ત 11 રન બનાવવાના હતા ત્યારે આ ઘટના બની હતી. સ્ક્વેર લેગ અમ્પાયર હૅનીબેલે એ બૉલને લીગલ બૉલ તરીકે ગણ્યો એટલે શ્રીલંકાના ખેલાડીઓનો પિત્તો ગયો. મેન્ડિસ એ બૉલને ફટકારી જ ન શક્યો અને છેવટે બે બૉલમાં 11 રન બનાવવાના આવ્યા. મેન્ડિસ અમ્પાયરના નિર્ણયથી નાખુશ હતો. તેણે રિવ્યૂ માટે પણ અપીલ કરી. જોકે વિકેટ પડવાની કોઈ સંભાવના ન હોય તો એવા કિસ્સામાં ફીલ્ડ અમ્પાયર એવા નો બૉલ સંબંધમાં થર્ડ અમ્પાયરની મદદ ન માગી શકે.

શ્રીલંકા છેવટે ત્રણ રનથી એ મૅચ હારી ગયું.
હસરંગાએ એ ઘટના વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘ઇન્ટરનૅશનલ મૅચમાં આવું ન બનવું જોઈએ. બૉલ કમરની નજીક હોત તો હજી પણ કોઈ પ્રૉબ્લેમ નહોતો, પણ જે બૉલ કમરથી ખૂબ ઊંચો હોય એ તો ડેન્જરસ જ કહેવાય…એ બૉલ જો જરાક ઊંચો રહ્યો હોત તો તેને માથાને વાગી ગયો હોત. જે અમ્પાયર એટલું ન જોઈ શકે તેઓ ઇન્ટરનૅશનલ ક્રિકેટને લાયક જ ન કહેવાય. તેઓ બીજી નોકરી શોધી લે તો સારું.’

હસરંગા આટલું નહીંને નહોતો અટકી ગયો. તેણે ઇન્ટરવ્યૂમાં આઇસીસીએ પાછા ખેંચી લીધેલા નિયમના નિર્ણયને આડકતરી રીતે પડકારતાં કહ્યું, ‘અગાઉ આવા પ્રકારની ઘટનામાં રિવ્યૂ લેવાની પ્લેયરને છૂટ હતી, પણ આઇસીસીએ નિયમ પાછો ખેંચી લીધો. અમારા બૅટર્સે રિવ્યૂ લેવાની કોશિશ પણ કરી હતી.

થર્ડ અમ્પાયર જો ફ્રન્ટ-ફૂટ નો બૉલ તપાસી શકતા હોય તો તેમને આ પ્રકારના (કમર સુધીના ઊંચા બૉલ વિશે પણ) નો બૉલ પણ ચકાસવા દેવા જોઈએ. તેમને એ અધિકાર કેમ નથી અપાતો એ જ નથી સમજાતું. આવો કમરથી ઊંચો બૉલ પડ્યો એ વિશે એ સ્ક્વેર લેગના મનમાં શું ચાલી રહ્યું હશે એ પણ મારા માટે ચર્ચાનો વિષય છે. કોણ જાણે તેમના મગજમાં શું ચાલી રહ્યું હશે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button