વન-ડેમાં શ્રીલંકાના બૅટરે રચી દીધો ઇતિહાસ…
પલ્લેકેલ: અફઘાનિસ્તાન સામે આજે અહીં ઓપનિંગ બૅટર પથુમ નિસન્કા (અણનમ 210 રન, 139 બૉલ, 221 મિનિટ, આઠ સિક્સર, વીસ ફોર)એ શ્રીલંકા માટે નવો ઇતિહાસ રચી દીધો હતો. શ્રીલંકાનો પચીસ વર્ષનો રાઇટ-હૅન્ડ ઓપનિંગ બૅટર નિસન્કા વન-ડેમાં ડબલ સેન્ચુરી ફટકારનાર શ્રીલંકાનો પ્રથમ બૅટર બન્યો હતો. વન-ડેમાં તેની આ કુલ ચોથી સેન્ચુરી હતી.
અફઘાનિસ્તાન સામેની આ મૅચ પહેલાં નિસન્કાનો વન-ડેમાં 137 રન હાઇએસ્ટ સ્કોર હતો, પણ ગણતરીના કલાકોમાં તેના કરીઅર-રેકૉર્ડમાં પલટો આવી ગયો હતો. શ્રીલંકા વતી અત્યાર સુધી વન-ડે ક્રિકેટ રમી ચૂકેલા તમામ ખેલાડીઓમાં તે પહેલો ડબલ સેન્ચુરિયન બન્યો હતો. તેણે સનથ જયસૂર્યા (189 રન)નો વિક્રમ 24 વર્ષ જૂનો તોડી નાખ્યો હતો. જયસૂર્યાએ 2000ની સાલમાં શારજાહમાં ભારત સામે મૅચ-વિનિંગ 189 રન બનાવ્યા હતા.
નિસન્કાએ ફક્ત 136 બૉલમાં 200 રન પૂરા કર્યા હતા. તે ઓપનિંગમાં આવીને છેક સુધી નૉટઆઉટ રહ્યો હતો. તેણે શુક્રવારની ડબલ સેન્ચુરી પહેલાંની 49 વન-ડેમાં કુલ મળીને માત્ર નવ સિક્સર ફટકારી હતી, જ્યારે ડબલ સેન્ચુરીમાં આઠ છગ્ગાનો સમાવેશ હતો. તેના અણનમ 210 રનની અવિષ્કા ફર્નાન્ડો (88 રન, 88 બૉલ, 111 મિનિટ, ત્રણ સિક્સર, આઠ ફોર) વચ્ચે 160 બૉલમાં 182 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. પછીથી નિસન્કાએ કૅપ્ટન-વિકેટકીપર કુસાલ મેન્ડિસ (31 બૉલમાં 16 રન) સાથે બીજી વિકેટ માટે 54 બૉલમાં 43 રનની, સદીરા સમરવિક્રમા (36 બૉલમાં 45 રન) સાથે ત્રીજી વિકેટ માટે 71 બૉલમાં 120 રનની અને ચરિથ અસલન્કા (આઠ બૉલમાં સાત અણનમ) સાથે ચોથી વિકેટ માટે 36 રનની ભાગીદારી નોંધાવી હતી.
અફઘાનિસ્તાને ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી, પણ એનો એ નિર્ણય ખોટો સાબિત થયો હતો. શ્રીલંકાએ 50 ઓવરમાં ત્રણ વિકેટે 381 રન બનાવીને અફઘાનિસ્તાનને 382 રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો. આખી મૅચમાં અફઘાનિસ્તાનના બોલર શ્રીલંકન બૅટર પર હાવિ થવામાં નિષ્ફળ ગયા હતા. તેમના બોલરમાંથી ફરીદ અહમદ મલિકે 79 રનમાં બે વિકેટ અને મોહમ્મદ નબીએ 44 રનમાં એક વિકેટ ઝડપી હતી.
નિસન્કાની દમદાર ઇનિંગ્સથી અફઘાનિસ્તાનના ખેલાડીઓ ચોંકી ગયા હતા, જ્યારે પલ્લેકેલના પ્રેક્ષકોને અવિરતપણે ધમાકેદાર બૅટિંગની મોજ માણવા મળી હતી.