`નવા મલિન્ગા’ સહિતના શ્રીલંકન બોલર્સે ન્યૂ ઝીલૅન્ડને ક્લીન-સ્વીપ ન કરવા દીધી…
ઑકલૅન્ડઃ શ્રીલંકા (50 ઓવરમાં 290/8)એ અહીં આજે ન્યૂ ઝીલૅન્ડ (29.4 ઓવરમાં 150/10)ને ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 140 રનના તોતિંગ માર્જિનથી હરાવીને સિરીઝમાં શાનથી પરાજય સ્વીકાર્યો હતો. ન્યૂ ઝીલૅન્ડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી. ટૂંકમાં, શ્રીલંકન બોલર્સે યજમાન કિવીઓને 3-0થી વાઇટ-વૉશ નહોતો કરવા દીધો. 23 વર્ષનો ફાસ્ટ બોલર એશાન મલિન્ગા આ મૅચનો સ્ટાર બોલર હતો. તેણે સાત ઓવરમાં 35 રનના ખર્ચે ત્રણ વિકેટ લીધી હતી. એમાંની બે વિકેટ તેણે મૅચની છેલ્લી પળોમાં લીધી હતી.
શ્રીલંકાએ પથુમ નિસન્કાના 66 રન, કુસાલ મેન્ડિસના 54 રન, જેનિથ લિયાનાગેના 53 રન તેમ જ કામિન્ડુ મેન્ડિસના 46 રનની મદદથી આઠ વિકેટે 290 રન બનાવ્યા હતા. કિવી ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જોકે તેનો એ પર્ફોર્મન્સ બૅટર્સની નિષ્ફળતાને લીધે છેવટે પાણીમાં ગયો હતો.
આ પણ વાંચો : બર્થ-ડે બૉય દ્રવિડ કેમ ધ વૉલ’ અને મિસ્ટર ડિપેન્ડેબલ’ કહેવાતો એના આ રહ્યા પાંચ કારણ…
2-0થી સરસાઈ મેળવ્યા બાદ ન્યૂ ઝીલૅન્ડે આ મૅચની બૅટિંગમાં ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. 21 રનમાં એના પાંચ બૅટર આઉટ થઈ ગયા હતા. માર્ક ચૅપમૅને 143 મિનિટની બૅટિંગમાં 81 રન ન બનાવ્યા હોત તો કિવીઓની મોટી નાલેશી થઈ હોત. ચૅપમૅનની વિકેટ થીકશાનાએ લીધી હતી.
બીજો કોઈ કિવી બૅટર 20 રન પણ નહોતો બનાવી શક્યો.
ત્રણ કિવી બૅટરના ઝીરો અને ત્રણ બૅટરના સિંગલ ડિજિટમાં રન હતા.
થીકશાનાએ પણ એશાન મલિન્ગાની માફક 35 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. જોકે 26 રનમાં ત્રણ વિકેટ લેનાર અસિથા ફર્નાન્ડોને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.