IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

SRH vs RCB Highlights: બેન્ગલૂરુએ હૈદરાબાદની ટીમને આસમાન પરથી જમીન પર લાવી દીધી

રેકૉર્ડ-બ્રેક સ્કોર માટે જાણીતા સનરાઇઝર્સનું બેન્ગલૂરુએ હૈદરાબાદમાં જ બૅન્ડ બજાવી દીધું: સ્પિનર્સના તરખાટથી બરાબર એક મહિને મેળવી જીત

હૈદરાબાદ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (20 ઓવરમાં 206/7)ની ટીમે હૈદરાબાદ જઈને સનરાઇઝર્સ હૈદરાબાદ (20 ઓવરમાં 171/8)ને 35 રનથી હરાવીને 10 દિવસ પહેલાંના એની સામેના કારમા પરાજયનો બદલો લીધો હતો. ખાસ કરીને સ્પિનર્સે બેન્ગલૂરુને થોડી સંઘર્ષપૂર્ણ બનેલી જીત અપાવી હતી. બેન્ગલૂરુ માટે આ આશ્ર્વાસનરૂપી જીત હતી, કારણકે બેન્ગલૂરુની ટીમ લાગલગાટ છ મૅચ હારી ગયા પછી છેક હવે જીતી છે. છેલ્લે પચીસમી માર્ચે બેન્ગલૂરુએ પંજાબને હરાવ્યું ત્યાર બાદ હવે પચીસમી એપ્રિલે હૈદરાબાદ સામે વિજય મેળવ્યો છે. જોકે બેન્ગલૂરુએ કુલ નવમાંથી સાત મૅચમાં હાર સહેવી પડી છે.

બેન્ગલૂરુના ઇમ્પૅક્ટ પ્લેયર અને નવા સ્પિનર સ્વપ્નિલ સિંહ, અનુભવી સ્પિનર કર્ણ શર્મા અને કૅમેરન ગ્રીને બે-બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ વિલ જૅક્સ અને યશ દયાલે લીધી હતી. શાહબાઝ અહમદ (40 અણનમ, 37 બૉલ, એક સિક્સર, એક ફોર) હૈદરાબાદની ટીમમાં ટૉપ-સ્કોરર હતો. જોકે તે 108.10ના સ્ટ્રાઇક-રેટથી ખૂબ ધીમું રમ્યો હતો. તેની સાથે જયદેવ ઉનડકટ આઠ રને અણનમ રહ્યો હતો.


15મી એપ્રિલે બેન્ગલૂરુમાં હૈદરાબાદે બૅટિંગ મળ્યા પછી ત્રણ વિકેટે 287 રનનો રેકૉર્ડ-બ્રેક ટીમ-સ્કોર નોંધાવ્યા પછી બેન્ગલૂરુને પચીસ રનથી હરાવ્યું હતું. એ ઐતિહાસિક મૅચમાં હૈદરાબાદને રેકૉર્ડ-બ્રેક ટોટલ અપાવનાર મુખ્ય ચારેય બૅટર્સનું આ વખતે બેન્ગલૂરુના બોલર્સ સામે કંઈ નહોતું ચાલ્યું. ચારેય બૅટર્સની બેન્ગલૂરુ સામેની 15મી એપ્રિલની અને ગુરુવારની મૅચનો પર્ફોર્મન્સ આ મુજબ હતો: અભિષેક શર્મા (15મી એપ્રિલે 34 રન, ગુરુવારે 31 રન), ટ્રેવિસ હેડ (102 રન અને એક રન), ક્લાસેન (67 રન અને સાત રન), માર્કરમ (32 અણનમ અને સાત રન) તેમ જ અબ્દુલ સામદ (37 અણનમ અને 10 રન). ક્લાસેનનો કૅમેરન ગ્રીને સ્વપ્નિલના બૉલમાં અફલાતૂન કૅચ પકડ્યો હતો. ટ્રેવિસ હેડની મૂલ્યવાન વિકેટ સ્પિનર વિલ જૅક્સે લીધી હતી.


10મી ઓવરમાં 85 રનના કુલ સ્કોર પર સામદ આઉટ થયા બાદ કૅપ્ટન પૅટ કમિન્સે (31 રન, 15 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) બાજી સંભાળી હતી, પણ ઉપરાઉપરી ત્રણ છગ્ગા મારીને થોડી વાર સુધી બેન્ગલૂરુના જીવ અધ્ધર કર્યા બાદ તેના જ દેશ તે તેના જ દેશના પેસ બોલિંગ ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીનના બૉલમાં સિરાજને કૅચ આપી બેઠો હતો.


આ સીઝનમાં ત્રણ સૌથી ઊંચા સ્કોર (287/3, 277/3, 266/7) હૈદરાબાદના નામે છે, પરંતુ ગુરુવારે બેન્ગલૂરુ સામે એણે પોણાબસો રન પણ ન બનાવ્યા અને 35 રનથી પરાજય જોવો પડ્યો. એ પહેલાં, બેન્ગલૂરુએ હાઈ-સ્કોર માટે માહેર હૈદરાબાદની ટીમને પ્રથમ બૅટિંગનો હવે બીજી વાર મોકો ન આપવાના આશયથી ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી અને સાત વિકેટે 206 રન બનાવ્યા હતા. 15મી એપ્રિલે ડુ પ્લેસીએ હૈદરાબાદને બૅટિંગ આપવાની ભૂલ કરી જે આખી ટીમને ભારે પડી હતી.


20મી એપ્રિલે દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંતે ટૉસ જીત્યા પછી હૈદરાબાદને બૅટિંગ આપવાની જે ભૂલ કરી હતી એ ડુ પ્લેસીએ આ મૅચમાં ન કરી. તેણે બૅટિંગ પસંદ કરી હતી. દિલ્હીએ 20મીએ બૅટિંગ આપ્યા પછી હૈદરાબાદની ટીમે સાત વિકેટે 266 રનનો ખડકલો કરી દીધો હતો અને પછી દિલ્હી 199 રન બનાવતાં 67 રનથી હારી ગયું હતું.


હૈદરાબાદ સામે બેન્ગલૂરુએ સાત વિકેટે બનાવેલા 206 રનમાં બે બૅટરની હાફ સેન્ચુરી હતી. વિરાટ કોહલી (51 રન, 43 બૉલ, એક સિક્સર, ચાર ફોર) કરતાં રજત પાટીદારે (50 રન, 20 બૉલ, પાંચ સિક્સર, બે ફોર)ની સેન્ચુરી ધમાકેદાર અને દમદાર હતી. પાટીદારે એક તબક્કે મયંક માર્કન્ડેની એક ઓવરમાં સતત ચાર સિક્સર સહિત કુલ 26 રન ઝૂડી કાઢ્યા હતા. કોહલી પાવરપ્લે પછી ધીમો પડી ગયો હતો. પાટીદાર અને કોહલી વચ્ચે ત્રીજી વિકેટ માટે 65 રનની પાર્ટનરશિપ થઈ હતી. એનાથી મોટી ભાગીદારી નહોતી થઈ, પરંતુ બેન્ગલૂરુની ટીમ ધારણા કરતાં સારું રમીને હૈદરાબાદને 207 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શકી હતી.


કૅમેરન ગ્રીન (37 રન, 20 બૉલ, પાંચ ફોર) અણનમ રહ્યો હતો. પહેલી જ વખત રમેલા ઉત્તર પ્રદેશના ઑલરાઉન્ડર સ્વપ્નિલ સિંહ (12 રન, 6 બૉલ, એક સિક્સર, એક ફોર)એ આક્રમક બૅટિંગની થોડી ઝલક દેખાડી હતી અને ઇનિંગ્સના અંતિમ બૉલમાં (નટરાજનના બૉલમાં) આઉટ થયો હતો. વિલ જૅક્સ છ રન, કાર્તિક 11 રન અને લૉમરૉર સાત રન બનાવીને આઉટ થયો હતો.

કૅપ્ટન ફાફ ડુ પ્લેસી (પચીસ રન, 12 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ની કોહલી સાથે 48 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. તેને દિલ્હી તથા કોલકાતા સામે સફળ બોલિંગ કરનાર ટી. નટરાજને એઇડન માર્કરમના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. હૈદરાબાદના બોલર્સમાં જયદેવ ઉનડકટ (4-0-30-3) સૌથી સફળ હતો. નટરાજને બે અને કમિન્સ તથા માર્કન્ડેને એક-એક વિકેટ મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door