હૈદરાબાદ: પાંચ વખત ચેમ્પિયન બનેલા મુંબઈ ઇન્ડિયન્સે અહીં ટૉસ જીતીને બૅટિંગ આપી એનો લાભ લઇને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આઈપીએલના ઇતિહાસનો ૨૭૭/૩નો (વન-ડે) જેટલો નવો વિક્રમજનક સ્કોર નોંધાવ્યો હતો અને પછી ઉત્કૃષ્ટ ફીલ્ડિંગ તથા અસરદાર બોલિંગ સાથે હાર્દિક પંડ્યાની ટીમને ૨૪૬/૫ના સ્કોર સુધી સીમિત રાખીને ૩૧ રનના માર્જિનથી આ સીઝનમાં પહેલી જીત નોંધાવી હતી. મુંબઈની ટીમે સતત બીજો પરાજય જોવો પડ્યો હતો. કેપ્ટન હાર્દિક લાગલગાટ બીજી મૅચમાં ટૉસ જીત્યો, પણ મૅચ હારી બેઠો. હૈદરાબાદના હાર્ડ હિટર અભિષેક શર્માને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
મુંબઈએ સીઝનની શરૂઆતની થોડી મૅચોમાં પરાજિત થવાની વર્ષોની પરંપરા જાળવી છે. મુંબઈની ટીમ ૨૭૮ રનના તોતિંગ ટાર્ગેટ સામે દબાઈ ગઈ એવું ન કહી શકાય, કારણકે એણે સારી લડત આપી અને ૩૧ રનના સાધારણ તફાવતથી હાર્યું. તિલક વર્મા (૬૪ રન, ૩૪ બૉલ, છ સિક્સર, બે ફોર) અને ટિમ ડેવિડે (અણનમ ૪૨ રન, ૨૨ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) ૧૮૮થી ૧૯૦ના સ્ટ્રાઇક રેટ સાથે પ્રશંસનીય હિટિંગ કરી હતી. ખુદ હાર્દિક (૨૦ બૉલમાં એક સિક્સર, એક ફોરની મદદથી ૨૪ રન), કિશન (૧૩ બૉલમાં ચાર છગ્ગા, બે ચોક્કા સાથે ૩૪ રન), નમન ધીર (૧૪ બૉલમાં બે સિક્સર, બે ફોર સાથે ૩૦ રન) અને રોહિત (૧૨ બૉલમાં ત્રણ સિક્સર, એક ફોર સાથે ૨૬ રન) લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફ્ળ ગયા હતા. હૈદરાબાદના ઉનડક્ટ, કમિન્સે બે-બે વિકેટ અને શાહબાઝે એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, ક્લાસેન (અણનમ ૮૦ રન, ૩૪ બૉલ, સાત સિક્સર, ચાર ફોર) બેનમૂન ઇનિંગ્સ રમ્યો હતો. બૅટિંગ મળ્યા બાદ હૈદરાબાદે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૭૭ રન બનાવ્યા હતા. એ સાથે, આઇપીએલના ઇતિહાસમાં બૅન્ગલોરનો ૨૦૧૩ની સાલનો પુણે વૉરિયર્સ સામે ૨૬૩/૫નો જે વિક્રમ હતો એ તૂટી ગયો હતો. ઇન્ટરનૅશનલ ટી-૨૦માં નેપાળનો મોંગોલિયા સામેનો ૩૧૪/૩નો વિશ્ર્વવિક્રમ છે, પરંતુ મોટા દેશો વચ્ચેની ટી-૨૦માં ઇંગ્લૅન્ડનો વેસ્ટ ઇન્ડિઝ સામે ૨૬૭/૩નો રેકૉર્ડ છે જે આઇપીએલની હૈદરાબાદની ટીમે પાર કર્યો હતો.
મુંબઈએ ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને પંજાબ રાજ્યના અભિષેક શર્મા તથા સાઉથ આફ્રિકાના એઇડન માર્કરમ તથા હિન્રિચ ક્લાસેનની ફટકાબાજીના શિકાર બનવું પડ્યું હતું.
ટ્રેવિસ હેડે 18 બૉલની તૂફાની બૅટિંગમાં 50 રન પૂરા કર્યા હતા, વોર્નરનો હૈદરાબાદનો રેકોર્ડ તોડ્યો હતો અને કુલ 24 બૉલમાં 62 રન બનાવ્યા પછી કૉએટ્ઝીના બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. હેડે ત્રણ સિક્સર અને નવ ફોર ફટકારી હતી.
અભિષેક શર્મા (63 રન, 23 બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર) ટ્રેવિસ હેડથી પણ ચડિયાતો નીકળ્યો. તેણે 16 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. બન્ને વચ્ચે 68 રનની ભાગીદારી થઈ હતી.
17 ઓવરમાં હૈદરાબાદે ત્રણ વિકેટે 238 રન બનાવીને પોતાનો 2019ની સીઝનનો 231/2નો હાઈએસ્ટ સ્કોરનો વિક્રમ તોડ્યો હતો.
હેડ અને અભિષેક બાદ 116 રનની અતૂટ ભાગીદારી ક્લાસેન અને માર્કરમ (42 અણનમ, 28 બૉલ, એક સિક્સર, બે ફોર) વચ્ચે થઈ હતી. આ જોડીએ હૈદરાબાદની ટીમને 277/3ના નવા વિક્રમ સુધી પહોંચાડ્યું હતું. ક્લાસેને 23 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. મુંબઈના કોએટઝી, હાર્દિક અને ચાવલાએ એક-એક વિકેટ લીધી હતી.