શ્રીસાન્તને હરભજનનો તમાચોઃ કદી જ જોવા મળેલી વીડિયો ફૂટેજ વાઇરલ થયો…

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર અને મુંબઈ ઇન્ડિયન્સ સહિત કેટલીક ટીમો વતી રમી ચૂકેલા હરભજન સિંહે (Harbhajan Singh) 2008ની પ્રથમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડી એસ. શ્રીસાન્તને એક મૅચ બાદ લાફો ઝીંકી દીધો હતો એનો અગાઉ બહાર ન આવેલો વીડિયો (VIDEO) હાલમાં વાઇરલ થયો છે.
આઇપીએલના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ `સ્લૅપ-ગેટ’ તરીકે ઓળખાતી એ ઘટનાને લગતા અગાઉ ક્યારેય ન જોવા મળેલી વીડિયો-ફૂટેજ પોતાની પાસે હોવાનો દાવો તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમ્યાન કર્યો હતો.
2008ની એ મૅચ કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મોહાલીમાં રમાઈ હતી. પંજાબના વિજય બાદ બન્ને ટીમના ખેલાડીઓ એકમેક સાથે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે શ્રીસાન્ત સામે આવતાં હરભજન સિંહે તેને અચાનક તમાચો મારી દીધો હતો. આ ઘટનાને પગલે લાઇવ ટેલિકાસ્ટમાં શ્રીસાન્ત ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહેલો જોવા મળ્યો હતો.
ભજ્જી અને શ્રીસાન્ત વચ્ચેના અણબનાવ વચ્ચેની શરૂઆત કેવી રીતે થઈ એની ખાસ કંઈ વિગતો બહાર નથી આવી, પણ કહેવાય છે કે શ્રીસાન્ત મૅચ દરમ્યાન એવું કંઈક બોલ્યો હતો જેનાથી હરભજન ઉશ્કેરાયો હતો અને છેલ્લે અલગ પડતાં પહેલાં તેણે શ્રીસાન્તને તમાચો મારી દીધો હતો.
હરભજનને ત્યારે સીઝનની બાકીની મૅચોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેની મૅચ ફી પણ જપ્ત કરી લેવામાં આવી હતી. પછીથી હરભજને માફી માગી હતી અને બન્ને પ્લેયર વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું, પરંતુ એ ઘટના હજીયે ચર્ચાય છે.
લલિત મોદીએ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની માઇકલ ક્લાર્કને થોડા અઠવાડિયા પહેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ` મારો એક સિક્યૉરિટી કૅમેરા ઑન હતો, કારણકે ત્યારે હું મેદાન પર જ હતો.
હરીફ ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે ભજ્જીએ શ્રીસાન્ત સામે જરાક જોયું, તેને કંઈક કહ્યું અને ઊંધા હાથની એક લગાવી દીધી હતી. ફૂટેજમાં આ બધું જોવા મળે છે. મેં પોતે જ 18 વર્ષ સુધી આ ફૂટેજ બહાર નહોતી પાડી, પણ હવે જાહેર કરી છે.’
આ પણ વાંચો…અશ્વિનની સફળતા જોઈને શું હરભજનને ઇર્ષા થઈ હતી? અફવા પર ભજજીએ આપ્યો આ જવાબ