યુએસ ઓપનમાં થયો સૌથી મોટો અપસેટ, ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચ હાર્યો…

યુએસ ઓપનમાં સૌથી મોટો અપસેટ સર્જાયો છે. સર્બિયન ટેનિસ સ્ટાર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચને વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકોવિચનો ઓસ્ટ્રેલિયાના 28મા ક્રમાંકિત એલેક્સી પોપીરિન સામે પરાજય થતા મોટો અપસેટ સર્જાયો છે. આ હારને કારણે જોકોવિચ 18 વર્ષમાં પ્રથમ વખત યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં આગળ વધી શક્યા નથી. નોવાક જોકોવિચે આ વર્ષે એકપણ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું નથી. આ પહેલા વર્ષ 2017માં નોવાક જોકોવિચ સાથે આવું બન્યું હતું. જોકોવિચ એક કેલેન્ડર વર્ષમાં એક પણ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ ઉપાડવામાં નિષ્ફળ ગયો હોય તેવું સાત વર્ષમાં પ્રથમ વખત બન્યું છે. 2017 ઓસ્ટ્રેલિયન ઓપન પછી સ્લેમમાં જોકોવિચની આ સૌથી પહેલી હાર હતી, જ્યારે તેઓ બીજા રાઉન્ડમાં ડેનિસ ઇસ્ટોમિન સામે હારી ગયા હતા.
આ પણ વાંચો : 74મી રૅન્કવાળાએ નંબર-થ્રી અલ્કારાઝની 15 મૅચની વિજયકૂચ રોકી
આ મહિનાની શરૂઆતમાં પેરિસ ઓલિમ્પિકમાં ઐતિહાસિક ગોલ્ડ જીતનાર અને પોતાનું 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાનો પ્રયાસ કરી રહેલા નોવાક જોકોવિચને 2024 યુએસ ઓપનમાં ત્રીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સી સામે 4-6, 4-6, 6-2, 4-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકોવિચ સંપૂર્ણ મેચ દરમિયાન મેચ દરમિયાન થાકેલા દેખાતા હતા. તેમણે મેચમાં 14 ડબલ ફોલ્ટ કર્યા હતા.
આ પણ વાંચો : જૉકોવિચ ત્રીજા રાઉન્ડમાં, બે ભારતીય ખેલાડી જીત્યા: વિમ્બલ્ડન વિજેતા હારી
2002 પછી આ પ્રથમ વખત છે જ્યારે ત્રણ મહાન ટેનિસ ખેલાડીઓ જોકોવિચ, રાફેલ નડાલ અને રોજર ફેડરરમાંથી કોઈએ એક વર્ષમાં ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી નથી. જોકોવિચ અગાઉ 2005 અને 2006માં યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડથી આગળ વધવામાં નિષ્ફળ રહ્યા હતા. 37 વર્ષીય જોકોવિચ અહીં 2011, 2015, 2018 અને 2023માં ચેમ્પિયન બન્યા હતા.