સ્પિનર રવિ બિશ્ર્નોઈએ રૅન્કિંગમાં લગાવી મોટી છલાંગ
દુબઈ: ટી-20 વર્લ્ડ કપ બાદ આઇસીસીએ જાહેર કરેલા ટી-20 ઇન્ટરનૅશનલ્સ રૅન્કિંગના નવા ક્રમાંકો મુજબ 23 વર્ષના સ્પિનર રવિ બિશ્ર્નોઈએ મોટી છલાંગ લગાવી છે.
ઝિમ્બાબ્વે સામેની પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની (બુધવારની ત્રીજી મૅચ અગાઉની) પહેલી બે મૅચ રમી લીધા પછી નક્કી થયેલા નવા રૅન્કિંગ મુજબ બિશ્ર્નોઈએ આઠ નંબરનો જમ્પ માર્યો છે અને 14મા સ્થાન પર આવી ગયો છે.
બિશ્ર્નોઈને બુધવારે ત્રીજી ટી-20માં 37 રનમાં એકેય વિકેટ નહોતી મળી, પણ પહેલી બે મૅચમાં તેણે કુલ છ વિકેટ લીધી એને લીધે જ તેનો ક્રમ ઘણો સુધરી ગયો છે.
બિશ્ર્નોઈએ શનિવારે પહેલી ટી-20માં 13 રનમાં ચાર વિકેટ લઈને કરીઅર-બેસ્ટ પર્ફોર્મન્સ નોંધાવ્યો હતો. તેના ખાતે 627 રેટિંગ પૉઇન્ટ છે.
આ પણ વાંચો: T20 Worldcup જિત્યા બાદ Virat Kohli લંડન પહોંચ્યો કે Iskon Temple?
નવા ટી-20 રૅન્કિંગમાં વર્લ્ડ ચૅમ્પિયન સ્પિનર અક્ષર પટેલ બે ક્રમ નીચે ઉતરી ગયો છે. તે હવે નવમા સ્થાને છે અને તેના નામે 644 પૉઇન્ટ છે. બીજો વિશ્ર્વ વિજેતા બોલર કુલદીપ યાદવ ત્રણ ક્રમની બાદબાકી સાથે ટૉપ-ટેનની બહાર જતો રહ્યો છે. તે હવે આઠમા નંબર પરથી અગિયારમાં ક્રમે પહોંચી ગયો છે. તેના નામે 641 પૉઇન્ટ છે.
ટી-20 વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર જીતનાર જસપ્રીત બુમરાહ પણ નવા રૅન્કિંગમાં બે સ્થાન નીચે ઉતરી ગયો છે. તે હવે 14મા નંબર પર છે અને બીજો વર્લ્ડ ચૅમ્પિયન બોલર અર્શદીપ સિંહ પાંચ ક્રમ નીચે ઉતરીને 18મા નંબર પર પહોંચી ગયો છે.