સાઉથ ઝોન અને સેન્ટ્રલ ઝોન દુલીપ ટ્રોફીની ફાઇનલમાં

બેંગલૂરુઃ સાઉથ ઝોન અને સેન્ટ્રલ ઝોનની ટીમ પ્રથમ દાવની સરસાઈને આધારે દુલીપ (Duleep trophy) ટ્રોફીની સેમિ ફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સેમિ ફાઇનલ (SEMI final) ચાર દિવસની હતી.
હવે પાંચ દિવસીય ફાઇનલ 11મી સપ્ટેમ્બરથી બેંગલૂરુમાં જ રમાશે. સેમિ ફાઇનલમાં સાઉથ ઝોને નોર્થ ઝોન સામે 175 રનની અને સેન્ટ્રલ ઝોને વેસ્ટ ઝોન સામે 162 રનની સરસાઈ મેળવી હતી.
સાઉથ ઝોને પ્રથમ દાવમાં જગદીશનના 197 રનની મદદથી 536 રન કર્યા ત્યાર બાદ નોર્થ ઝોનની ટીમ ઓપનર શુભમ ખજુરિયાના 128 રન છતાં 361 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ ઝોને 175 રનની સરસાઈ મેળવી હતી. રવિવારના અંતિમ દિવસે સાઉથ ઝોનની ટીમે એક વિકેટે 95 રન બનાવ્યા હતા અને ત્યારે મૅચ ડ્રૉ જાહેર કરાઈ હતી.
બીજી સેમિ ફાઇનલમાં વેસ્ટ ઝોને પ્રથમ દાવમાં ઋતુરાજ ગાયકવાડના 184 રનની મદદથી 438 રન કર્યા બાદ સેન્ટ્રલ ઝોને શુભમ શર્માના 96 રન, ડેનિશ માલેવારના 76 રન, ઉપેન્દ્ર યાદવના 87 રન, હર્ષ દુબેના 75 રન અને સારાંશ જૈનના અણનમ 63 રનની મદદથી 600 રન કરીને 162 રનની લીડ લીધી હતી. વેસ્ટ ઝોને બીજા દાવમાં આઠ વિકેટે 216 રન બનાવ્યા હતા અને છેવટે મૅચ ડ્રૉ જાહેર કરાઈ હતી. સેન્ટ્રલ ઝોનના સ્પિનર સારાંશ જૈને પાંચ વિકેટ લીધી હતી.
આ પણ વાંચો…દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ-વેસ્ટ અને સાઉથ-નોર્થ વચ્ચે સેમિ ફાઇનલ