પાંચ બૉલમાં ચાર વિકેટ લેનાર સાઉથ આફ્રિકાના મહાન ફાસ્ટ બોલર માઇક પ્રૉક્ટરનું અવસાન

ડરબન: સાઉથ આફ્રિકાના મહાન ફાસ્ટ બોલર માઇક પ્રૉક્ટરનું શનિવારે 77 વર્ષની ઉંમરે હાર્ટ સર્જરી દરમ્યાન થયેલી મુશ્કેલીઓને કારણે અવસાન થયું હતું. તેમની ગણના દેશના લેજન્ડરી ઑલરાઉન્ડરોમાં થાય છે.
1970 અને 1980ના દાયકામાં સાઉથ આફ્રિકાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી હકાલપટ્ટી થઈ હોવાથી પ્રૉક્ટર ફક્ત સાત ટેસ્ટ રમી શક્યા હતા અને એ સાતેય ટેસ્ટ ઑસ્ટ્રેલિયા સામે રમાઈ હતી જેમાં તેમણે 15.02ની સરેરાશે 41 વિકેટ લીધી હતી. તેમણે સાતમાંથી છ ટેસ્ટ સાઉથ આફ્રિકાને જિતાડી હતી અને સાતમી ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી. જો પ્રૉક્ટરને વધુ ટેસ્ટ મૅચો રમવા મળી હોત તો 20મી સદીના મહાન ઑલરાઉન્ડરો કપિલ દેવ, ઇયાન બૉથમ, રિચર્ડ હેડલી અને ઇમરાન ખાન સાથે તેમનું પણ નામ જોડાઈ ગયું હોત.
પ્રૉક્ટર મહાન ઑલરાઉન્ડર હતા. તેમણે સાઉથ આફ્રિકાને બિલ લૉરીના સુકાનવાળી ઑસ્ટ્રેલિયાની ટીમનો 4-0થી વ્હાઇટવૉશ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બૅરી રિચર્ડ્સ, ગ્રેમ પોલૉક, પીટર પોલૉક અને અલી બાકર તેમના સમયના મહાન સાઉથ આફ્રિકન ખેલાડીઓ હતા.
401 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 19.53ની ઍવરેજે 1417 વિકેટ લેનાર અને 48 સેન્ચુરીની મદદથી કુલ 21,936 રન બનાવનાર પ્રૉક્ટરે 1977માં બેન્સન ઍન્ડ હેજીસ કપની સેમી ફાઇનલમાં પાંચ બૉલમાં ચાર વિકેટ લીધી હતી જેમાંની બે વિકેટ હૅમ્પશરના ગોર્ડન ગ્રિનિજ અને બૅરી રિચર્ડ્સની હતી. પ્રૉક્ટર ત્યારે ગ્લુસેસ્ટશર વતી રમ્યા હતા. પ્રૉક્ટરે ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં 70 વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ લીધી હતી તેમ જ 325 કૅચ પકડ્યા હતા. તેઓ 2002થી 2008 સુધી આઇસીસી મૅચ રેફરી હતા.