સાઉથ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને અઢી દિવસમાં હરાવી દીધું | મુંબઈ સમાચાર

સાઉથ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને અઢી દિવસમાં હરાવી દીધું

આખા ઝિમ્બાબ્વેના વિઆન મુલ્ડરથી માત્ર 23 રન વધુ બન્યા

બુલવૅયોઃ ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટમાં (અણનમ 367 રન, 334 બૉલ, 410 મિનિટ, 4 સિક્સર, 49 ફોર) ઐતિહાસિક ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર સાઉથ આફ્રિકાના વિઆન મુલ્ડરે (Wiaan Mulder) મંગળવારે અહીં મૅચનો છેલ્લો કૅચ ઝીલીને પોતાના દેશને વિક્રમી માર્જિનથી વિજય અપાવ્યો અને એ સાથે સાઉથ આફ્રિકા (South Africa)એ માત્ર અઢી દિવસમાં આ મૅચ જીતીને બે મૅચની શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કરી લીધી. સાઉથ આફ્રિકાએ એક દાવ અને 236 રનથી વિજય મેળવ્યો હતો. છેલ્લા 20 વર્ષમાં ઝિમ્બાબ્વે (ZIMBABWE)નો આ સૌથી કારમો પરાજય છે.

ઝિમ્બાબ્વેના બન્ને ઇનિંગ્સમાં કુલ 390 રન (170 રન અને 220 રન) થયા હતા અને વિઆન મુલ્ડરના પ્રથમ દાવના અણનમ 369 રન કરતાં તેમના માત્ર 23 રન વધુ હતા.

https://twitter.com/SunRisers/status/1942200859506717058

આપણ વાંચો: કેપ્ટન ગિલની સતત બીજી ટેસ્ટમાં સદી: આ ત્રણ લેજન્ડની હરોળમાં થયો…

તાજેતરમાં પહેલી વાર ટેસ્ટનું વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ સાઉથ આફ્રિકાએ પહેલી બન્ને ટેસ્ટ જીતી લીધી છે. આ ચૅમ્પિયન દેશે છેલ્લી તમામ 10 ટેસ્ટ જીતી છે.

સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં 5/626ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ 170 રન પર ઑલઆઉટ થઈ જતાં એને ફૉલોઓન અપાઈ હતી અને મંગળવારે ઝિમ્બાબ્વેનો બીજો દાવ 220 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો.

નિક વેલ્ચના પંચાવન રન ઝિમ્બાબ્વેના બીજા દાવમાં હાઇએસ્ટ હતા. સાઉથ આફ્રિકાના પેસ બોલર કૉર્બિન બૉશ્ચે ચાર વિકેટ અને લેફ્ટ-આર્મ સ્પિનર સેનુરન મુથુસામીએ ત્રણ વિકેટ લીધી હતી.
વિઆન મુલ્ડરને મૅન ઑફ ધ મૅચનો તેમ જ મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ મળ્યો હતો.

https://twitter.com/ICC/status/1942274918080733401

આપણ વાંચો: આકાશ દીપ, નીતીશ, વૉશિંગ્ટન બીજી ટેસ્ટની ટીમમાં…તો પછી કોની બાદબાકી થઈ?

ટેસ્ટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરઃ

(1) બ્રાયન લારા, 400 અણનમ, 2004માં ઇંગ્લૅન્ડ સામે
(2) મૅથ્યૂ હેડન, 380 રન, 2002માં ઝિમ્બાબ્વે સામે
(3) બ્રાયન લારા, 375 રન, 1994માં ઇંગ્લૅન્ડ સામે
(4) માહેલા જયવર્દને, 374 રન, 2006માં સાઉથ આફ્રિકા સામે
(5) વિઆન મુલ્ડર, 369 અણનમ, 2025માં ઝિમ્બાબ્વે સામે

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button