ફાફ ડુ પ્લેસીને બુમરાહથી શેનો ` ડર’ છે?

એસએ20 ટૂર્નામેન્ટની ચોથી સીઝનના પ્રચાર માટે સાઉથ આફ્રિકાના ક્રિકેટ-લેજન્ડ્સ મુંબઈમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ક્રિકેટ-જગતની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ છે અને એ સિવાયની વિશ્વભરની બાકીની ટી-20 લીગ સ્પર્ધાઓમાં સાઉથ આફ્રિકાની એસએ20 સૌથી ઝડપે લોકપ્રિય થઈ રહેલી સૌથી રોમાંચક ટૂર્નામેન્ટ છે અને એની ચોથી સીઝનના પ્રચાર માટે સાઉથ આફ્રિકાના પાંચ-પાંચ લેજન્ડ ભારત આવ્યા છે જેમાં ગ્રેમ સ્મિથ, ફાફ ડુ પ્લેસી, માર્ક બાઉચર, હાશિમ અમલા અને ડેવિડ મિલરનો સમાવેશ છે.
બુધવારે મુંબઈમાં આયોજિત એસએ20 ઇન્ડિયા ડે’ ટૉક-શૉમાં આ તમામ ખેલાડીઓએ એસએ20 વિશે મંતવ્યો આપ્યા હતા અને એમાં ખાસ કરીને ડુ પ્લેસીએ મજાકમાં કહ્યું કે જસપ્રીત બુમરાહ ક્યારેય અમારી એસએ20માં રમવા ન આવે તો સારું.’

ડુ પ્લેસી 41 વર્ષની મોટી ઉંમરે પણ હજી સાઉથ આફ્રિકા વતી રમે છે. તે કુલ 262 આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂક્યો છે અને એમાં તેણે કુલ 11,000થી પણ વધુ રન કર્યા છે. તે બે દાયકાની કરીઅરમાં કુલ 32 ટીમ વતી રમી ચૂક્યો છે. આઇપીએલમાં તે ચેન્નઈ, દિલ્હી, બેંગલૂરુ તથા પુણે વતી રમ્યો છે અને હાલમાં તે એસએ20માં જૉબર્ગ સુપર કિંગ્સ ટીમનો કૅપ્ટન છે. આ ટીમની માલિકી ચેન્નઈ સુપર કિંગ્સના ફ્રૅન્ચાઇઝી પાસે છે.
વર્તમાન ક્રિકેટના તમામ બોલર્સમાં ડુ પ્લેસીને જે બોલર્સનો સામનો કરવામાં સૌથી વધુ મુશ્કેલી પડે છે એમાં તેણે બુમરાહને પહેલો નંબર આપ્યો છે. તેણે મુંબઈના સમારોહમાં મજાકમાં કહ્યું, ` મારી દૃષ્ટિએ બુમરાહ વિશ્વનો સૌથી ટફ બોલર છે. આશા રાખું છું કે તે અમારી એસએ20 સ્પર્ધામાં ક્યારેય રમવા નહીં આવે. તેની બોલિંગ ઍક્શન વિચિત્ર અને તદ્દન જુદી છે અને પ્રત્યેક સચોટ બૉલ ફેંકવાની તેની કુશળતાથી તે સારામાં સારા બૅટ્સમૅનને મુસીબતમાં મૂકી શકે છે.’
જાણીતી સ્પોર્ટ્સ ઍન્કર તથા ક્રિકેટર સ્ટૂઅર્ટ બિન્નીની પત્ની મયંતી લૅન્ગરે આ ટૉક-શોનું ઍન્કરિંગ કર્યું હતું જેમાં તેણે તમામ લેજન્ડરી ખેલાડીઓને રસપ્રદ સવાલો પૂછ્યા હતા. સૌરવ ગાંગુલી તાજેતરમાં જ પ્રીટોરિયા કૅપિટલ્સનો હેડ-કોચ બન્યો છે અને તે તેમ જ સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપનો ખેલાડી ટ્રિસ્ટૅન સ્ટબ્સ સ્પેશ્યલ વીડિયો મૅસેજીસ મારફત આ ટૉક-શૉમાં જોડાયા હતા.
નવી સીઝન ક્યારથી? સ્ટાર ખેલાડીઓની ફોજ
એસએ20 સ્પર્ધાનું આ ચોથું વર્ષ છે. આ નવી સીઝન 26મી ડિસેમ્બરથી 25મી જાન્યુઆરી સુધી રમાશે. છ ટીમ વચ્ચેની આ ટૂર્નામેન્ટની પાછલી ત્રણ સીઝનમાં અનુક્રમે સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ, સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ અને એમઆઇ કેપ ટાઉન ટીમે ટ્રોફી જીતી લીધી હતી. પાછલી ત્રણ સીઝનમાં અનુક્રમે પ્રીટોરિયા કૅપિટલ્સ, ડરબન્સ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ નામની ટીમ રનર-અપ હતી. એસએ20ના સ્ટાર ખેલાડીઓમાં કેન વિલિયમસન, જૉ રૂટ, જૉસ બટલર, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, ટ્રેન્ટ બૉલ્ટ, ડેવાલ્ડ બે્રવિસ, ટ્રિસ્ટેન સ્ટબ્સ, રાયન રિકલ્ટન વગેરેનો સમાવેશ છે.

કયો લેજન્ડરી પ્લેયર કઈ જવાબદારી સંભાળે છે
મુંબઈ આવેલા સાઉથ આફ્રિકાના ક્રિકેટ-લેજન્ડ્સમાં ભૂતપૂર્વ કૅપ્ટન ગ્રેમ સ્મિથ એસએ20 લીગનો કમિશનર છે. માર્ક બાઉચર સાઉથ આફ્રિકાની ક્રિકેટનો લેજન્ડ છે, જ્યારે ફાફ ડુ પ્લેસી જૉબર્ગ સુપર કિંગ્સનો સુકાની છે. નિવૃત્ત ખેલાડી હાશિમ અમલા એમઆઇ કેપ ટાઉન ટીમનો કોચ છે અને ડેવિડ મિલર પાર્લ રૉયલ્સ ટીમનો સુકાની છે. ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ટૉમ મૂડી પણ આ સમારંભમાં હાજર હતા.
તેઓ ડરબન્સ સુપર જાયન્ટ્સ ફ્રૅન્ચાઇઝીના ગ્લોબલ ડિરેકટર ઑફ ક્રિકેટ છે. ગ્રેમ સ્મિથે પત્રકારોને સંબોધતા કહ્યું, અમારી એસએ20 ટૂર્નામેન્ટના સંદર્ભમાં કહું તો ભારત અમારા સૌના હૃદયમાં સમાયેલું છે. આઇપીએલના ફ્રૅન્ચાઇઝીઓનો પણ અમને બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે (તમામ છ ટીમની માલિકી આઇપીએલના અલગ અલગ ફ્રૅન્ચાઇઝીઓ પાસે છે).’ ફાફ ડુ પ્લેસીના મતે ભારતમાં એસએ20નાં અસંખ્ય ચાહકો છે એ બાબત અમારા માટે ખૂબ પ્રોત્સાહક છે.’ બાઉચરે કહ્યું, માત્ર ક્રિકેટ જ નહીં, બન્ને દેશની સંસ્કૃતિને લીધે પણ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે દાયકાઓથી બહુ સારો તાલમેલ છે અને એસએ20 ટૂર્નામેન્ટથી એ સંબંધો વધુ મજબૂત બન્યા છે.’
આ પણ વાંચો…ઇડન ગાર્ડન્સની પીચથી કેપ્ટન ગિલ અને કોચ ગંભીર નાખુશ! ગાંગુલી તપાસ કરવા આવ્યા, જાણો શું છે કારણ



