29 દિવસમાં દક્ષિણ આફ્રિકા કરશે અંદાજે 573 કરોડ રૂપિયાની કમાણી, કઈ રીતે?
નવી દિલ્હીઃ ભારતના ઘરઆંગણે રમાયેલા વર્લ્ડ કપમાં ભારત વર્લ્ડ કપ જીત્યું નહીં, પરંતુ એકસાથે દસ મેચ જીત્યા પછી લોકોને ક્રિકેટ પ્રત્યે વધુ રસ જાગ્યો છે, જેમાં આ વર્ષ જ નહીં, આગામી વર્ષે ભારત સાથે અન્ય દેશ ક્રિકેટમાં રચ્યા પચ્યા રહેશે. હાલમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 ટી-20 ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચ રમાશે. આ પ્રવાસની 10 ડિસેમ્બરથી શરૂઆત થઇ ચૂકી છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ માટે ભારતીય ટીમનો આ પ્રવાસ તેના માટે આર્થિક રીતે ઘણો મહત્વનો સાબિત થવાનો છે. દક્ષિણ આફ્રિકાના બોર્ડને આ શ્રેણીની તમામ 8 મેચમાંથી બમ્પર નફો મળવાનો છે.
ભારતીય ટીમનો આ દક્ષિણ આફ્રિકા પ્રવાસ લગભગ 29 દિવસ ચાલવાનો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા આ પ્રવાસમાંથી એટલી કમાણી કરશે કે તે તેનું દેવું ભરશે તો પણ પૈસાની બચત પણ થશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા બોર્ડ 68.7 મિલિયન ડોલર (આશરે 573 કરોડ રૂપિયા)ની કમાણી કરશે.
સાઉથ આફ્રિકાએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં તેને કુલ 28.5 મિલિયન ડૉલર (લગભગ 237.70 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. બીસીસીઆઇએ સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. ગયા મહિને બીસીસીઆઇની નેટવર્થ લગભગ 18 હજાર કરોડ રૂપિયા હતી. દક્ષિણ આફ્રિકાનું બોર્ડ છઠ્ઠા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 47 મિલિયન ડોલર છે. ભારતીય ટીમના પ્રવાસ વિના દક્ષિણ આફ્રિકા માટે ભવિષ્યમાં ટકી રહેવું ખૂબ મુશ્કેલ હશે.