સ્પોર્ટસ

ND vs SA T20I: દક્ષિણ આફ્રિકા સામે ભારતની સતત ત્રીજી હાર, રિંકુ અને સૂર્યકુમારની અડધીસદી વ્યર્થ

ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસની શરૂઆત હાર સાથે થઇ છે. ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમને પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ડરબનમાં પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે T20માં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈન્દોર અને પર્થમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે હારી ગઈ હતી.

ગેકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદને કારણે જ્યારે રમત અટકાવવામાં આવી ત્યારે ભારતે 19.3 ઓવરમાં સાત વિકેટે 180 રન બનાવ્યા હતા. જે બાદ ટીમ ઈન્ડિયા વધુ રમી શકી નહોતી. ડકવર્થ લુઈસ નિયમના આધારે દક્ષિણ આફ્રિકાને 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 13.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 154 રન બનાવીને મેચ જીતી લીધી હતી.


ભારત તરફથી રિંકુ સિંહ 39 બોલમાં 68 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 56 રનની ઇનિંગ રમી હતી. તિલક વર્માએ 29 અને રવિન્દ્ર જાડેજાએ 19 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને અર્શદીપ સિંહ ખાતું ખોલાવી શક્યા ન હતા. જીતેશ શર્માએ એક રન બનાવ્યો હતો. મોહમ્મદ સિરાજ ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ ત્રણ વિકેટ ઝડપી હતી. માર્કો જાનસેન, લિઝાદ વિલિયમ્સ, તબરેઝ શમ્સી અને એડન માર્કરનને એક-એક સફળતા મળી.


ગઈ કાલે ભારત સામેની આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 14 ડિસેમ્બરે રમાશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ પણ હારી જશે તો સિરીઝ પણ ગુમાવશે. ભારત છેલ્લે વર્ષ 2012માં દક્ષિણ આફ્રિકામાં ટી-20 સિરીઝ હાર્યું હતું, ત્યારે સિરીઝમાં માત્ર એક જ મેચ હતી. ત્યાર બાદ ભારતે 2018માં રમાયેલી સિરીઝ 2-1થી જીતી હતી.


દક્ષિણ આફ્રિકા તરફથી રીઝા હેન્ડ્રિક્સે 27 બોલમાં સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. કેપ્ટન એડન માર્કરામે 17 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. ડેવિડ મિલરે 17, મેથ્યુ બ્રિટ્ઝકે 16, ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ 14 અને એન્ડીલે ફેહલુકવાયોએ અણનમ 10 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસને સાત રન બનાવ્યા હતા. ફેહલુકવાયોએ 14મી ઓવરના પાંચમા બોલ પર સિક્સર ફટકારીને દક્ષિણ આફ્રિકાને જીત અપાવી હતી. ભારત તરફથી મુકેશ કુમારે બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને એક-એક સફળતા મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો