આ દેશ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સૌથી પહેલાં પહોંચી ગયો…
સેન્ચુરિયનઃ સાઉથ આફ્રિકાએ અહીં રવિવારે પાકિસ્તાનને સિરીઝની પહેલી રોમાંચક ટેસ્ટમાં બે વિકેટે હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) તરીકે ઓળખાતા ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારો પહેલો દેશ બની ગયો હતો. ફાઇનલના બીજા સ્થાન માટે (રૅન્કિંગ મુજબ) ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સૌથી વધુ હરીફાઈ થશે.
પાકિસ્તાને પ્રથમ દાવમાં 211 રન બનાવ્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 301 રન બનાવી શકી હતી. એમાં ઓપનર એઇડન માર્કરમના 89 રન અને નવા ખેલાડી કૉર્બિન બોશ્ચના અણનમ 81 રન સામેલ હતા.
બીજા દાવમાં પાકિસ્તાનની ટીમ સાઉદ શકીલના 84 રનની મદદથી 237 રન બનાવી શકી હતી અને યજમાન ટીમને જીતવા માત્ર 148 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
આ પણ વાંચો: ગૅબા ટેસ્ટ ડ્રૉમાં જશે તો પણ ભારત ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં જઈ શકે, સમીકરણ કંઈક આવું છે…
સાઉથ આફ્રિકાએ પાકિસ્તાની બોલર્સના આક્રમણ વચ્ચે મહા મહેનતે આઠ વિકેટે 150 રન બનાવીને મૅચ જીતીને ડબ્લ્યૂટીસીના પૉઇન્ટ્સ-ટેબલમાં 66.67ના આંકડા સાથે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બીજા નંબરે ઑસ્ટ્રેલિયાના 58.89 પૉઇન્ટ તથા ત્રીજા સ્થાને ભારતના 55.89 પૉઇન્ટ છે. ન્યૂ ઝીલૅન્ડ (48.21)ચોથા નંબરે છે.
ડબ્લ્યૂટીસીની 2021ની સાલની પ્રથમ સીઝનની ફાઇનલમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ન્યૂ ઝીલૅન્ડે વિજય મેળવી લીધો હતો. 2023ની બીજી સીઝનની ફાઇનલમાં ભારતને ઑસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું.