સાઉથ આફ્રિકાને છેક આટલા વર્ષે એશિયામાં ટેસ્ટ-મૅચ જીતવા મળી…

મીરપુર: બાંગ્લાદેશમાં એક તરફ ફરી રાજકીય અરાજકતા શરૂ થઈ છે ત્યાં બીજી બાજુ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ મીરપુરના મેદાન પર આતંક મચાવ્યો. તેણે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં પહેલા દાવમાં ત્રણ અને બીજા દાવમાં છ વિકેટ લીધી હતી. જોકે વિકેટકીપર કાઇલ વેરેનીના સમયસરના અને બહુમૂલ્ય 114 રન તેમ જ વિકેટની પાછળથી કરેલા ત્રણ શિકારને કારણે સાઉથ આફ્રિકા આ મૅચ વહેલાસર જીતવામાં સફળ રહ્યું અને સાઉથ આફ્રિકા 10 વર્ષે એશિયાની ધરતી પર ટેસ્ટ-મૅચ જીતવામાં સફળ રહ્યું છે.
ગુરુવારે સાઉથ આફ્રિકાને જીતવા ફક્ત 106 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને એણે ત્રણ વિકેટે 106 રન બનાવીને વિજય મેળવ્યો અને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી. સાઉથ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ટેબલમાં ચોથા નંબર પર આવી ગયું છે.
છેલ્લે એશિયામાં સાઉથ આફ્રિકા 2014ની સાલમાં શ્રીલંકામાં ટેસ્ટ જીત્યું હતું. ત્યારે હાશિમ અમલા સાઉથ આફ્રિકાનો અને ઍન્જેલો મૅથ્યૂઝ શ્રીલંકાનો સુકાની હતો.
પહેલા દાવમાં બાંગ્લાદેશ ફક્ત 106 રનમાં ઑલઆઉટ થયું હતું. રબાડાએ ત્રણ તેમ જ વિઆન મુલ્ડર અને કેશવ મહારાજે પણ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જવાબમાં સાઉથ આફ્રિકાએ 308 રન બનાવીને 202 રનની લીડ લીધી હતી. બાંગ્લાદેશના તૈજુલ ઇસ્લામે પાંચ વિકેટ અને હસન મહમૂદે ત્રણ વિકેટ લીધી હતી.
બીજા દાવમાં રબાડા બમણી તાકાતથી ત્રાટક્યો હતો અને તેણે 46 રનમાં છ વિકેટ લીધી હતી. સ્પિનર કેશવ મહારાજે ત્રણ શિકાર કર્યા હતા, પરંતુ રબાડાએ મેહદી હસન મિરાજને 97 રન પર આઉટ કરીને તેને ત્રણ રન માટે બીજી ટેસ્ટ-સદીથી વંચિત રાખ્યો હતો જેને પગલે બાંગ્લાદેશની ટીમનો બીજો દાવ 307 રને સમેટાઈ ગયો હતો અને પ્રવાસી ટીમને ફક્ત 106 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
કાઇલ વેરેનીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.



