સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયા 10 વર્ષથી લૉર્ડ્સમાં નથી હાર્યુંઃ સાઉથ આફ્રિકા `ચૉકર્સ’નું લૅબલ હટાવવા મક્કમ

બુધવારે બપોરે 3.00 વાગ્યાથી ડબ્લ્યૂટીસીની ફાઇનલઃ કમિન્સની ટીમને હરાવવી મુશ્કેલ, બવુમાની ટીમ સામે અનેક પડકારો

લૉર્ડ્સઃ બુધવાર, 11મી જૂને લંડનમાં ક્રિકેટના મક્કા ગણાતાં લૉર્ડ્સમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ (ભારતીય સમય મુજબ બપોરે 3.00 વાગ્યાથી) શરૂ થશે જેમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા (AUSTRALIA) અને પહેલી જ વાર ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલા સાઉથ આફ્રિકા (SOUTH AFRICA) વચ્ચે ખરાખરીનો ખેલ થશે. ઑસ્ટ્રેલિયા 10 વર્ષથી લૉર્ડ્સ (LORD’S)માં ટેસ્ટ મૅચ નથી હાર્યું. એ રીતે, ઑસ્ટ્રેલિયાને હરાવવું મુશ્કેલ છે. જોકે સાઉથ આફ્રિકાનો રેકૉર્ડ પણ બહુ ખરાબ નથી. 1990ના દાયકામાં રંગભેદની નીતિ ત્યજી દીધી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં સાઉથ આફ્રિકા લૉર્ડ્સમાં સાતમાંથી ફક્ત એક ટેસ્ટ હાર્યું છે. સેમિ ફાઇનલ કે ફાઇનલ સુધી પહોંચ્યા બાદ એમાં પરાજિત થવા બદલ `ચૉકર્સ’ તરીકે જાણીતા સાઉથ આફ્રિકાને હવે ડબ્લ્યૂટીસીની ફાઇનલ જીતીને એ છાપ હટાવવી જ છે. જોકે સાઉથ આફ્રિકા સામે પણ પડકારો ઓછા નથી.

વરસાદની સંભાવના, રિઝર્વ ડે છે

પાંચ દિવસની આ ફાઇનલ દરમ્યાન લંડનમાં વરસાદ પડવાની સંભાવના છે. જોકે 11-15 જૂનની આ ટેસ્ટ માટે 16મી જૂનનો રિઝર્વ-ડે રાખવામાં આવ્યો છે કે જેથી આ ફાઇનલનું પરિણામ લાવી શકાય. આ ફાઇનલ ડ્રૉ, ટાઇ થાય કે અનિર્ણીત રહે તો ટ્રોફી શૅર કરી લેવામાં આવે, પણ ખાસ કરીને (ખરાબ હવામાન જેવા કારણસર) મૅચ ડ્રૉમાં જવાની શક્યતા ટાળવા માટે જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

ચૅમ્પિયન ટીમને 31 કરોડનું ઇનામ

ડબ્લ્યૂટીસીની ફાઇનલ જીતનારી ટીમ માટે આ વખતે રોકડ ઇનામ બમણું કરવામાં આવ્યું છે. ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા, બેમાંથી જે ટીમ ચૅમ્પિયન બનશે એને 36 લાખ ડૉલર (અંદાજે 31 કરોડ રૂપિયા)નું પ્રથમ ઇનામ મળશે. આ ઇનામ ગઈ બે સીઝનની સરખામણીમાં બમણું કરવામાં આવ્યું છે. રનર-અપ ટીમને 21 લાખ ડૉલર (આશરે 18 કરોડ રૂપિયા)નું ઇનામ આપવામાં આવશે. 2021માં અને 2023માં ભારત રનર-અપ થયું (બન્ને વખતે) ભારતને અંદાજે સાત કરોડ રૂપિયાનું બીજું ઇનામ મળ્યું હતું.

કયા બૉલથી ફાઇનલ રમાશે?

વેસ્ટ ઇન્ડિઝ ઉપરાંત ઇંગ્લૅન્ડમાં પણ ડ્યૂક્સ બૉલથી જ ટેસ્ટ મૅચ રમાતી હોય છે એટલે આ ફાઇનલ પણ ડ્યૂક્સથી જ રમાશે. જોકે ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા, બન્નેના ટેસ્ટ ખેલાડીઓને ઘરઆંગણે માત્ર કૂકાબુરા બૉલથી જ રમવાની આદત છે. લૉર્ડ્સમાં તેમણે ડ્યૂક્સ બૉલથી રમવું પડશે.

આ પણ વાંચો -‏‏‎ ઇંગ્લૅન્ડમાં ટીમ ઇન્ડિયા ટેસ્ટ રમશે અને આ ભારતીય ખેલાડી રમતો હશે કાઉન્ટીમાં

બન્ને દેશની ટીમના ખેલાડીઓઃ

ઑસ્ટ્રેલિયાઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), ઍલેક્સ કૅરી (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, સૅમ કૉન્સ્ટાસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રૅવિસ હેડ, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), કૅમેરન ગ્રીન, બ્યૂ વેબસ્ટર, મિચલ સ્ટાર્ક, જૉશ હૅઝલવૂડ, સ્કૉટ બૉલેન્ડ, નૅથન લાયન અને મૅટ કુહનેમન. રિઝર્વ પ્લેયરઃ બ્રેન્ડન ડૉગેટ.

સાઉથ આફ્રિકાઃ ટેમ્બા બવુમા (કૅપ્ટન), રાયન રિકલ્ટન (વિકેટકીપર), ટૉની ડિ ઝૉરઝી, એઇડન માર્કરમ, ડેવિડ બેડિંગમ, ટ્રિસ્ટેન સ્ટબ્સ, કાઇલ વેરેની (વિકેટકીપર), વિઆન મુલ્ડર, માર્કો યેનસેન, કૉબિન બૉશ્ચ, કૅગિસો રબાડા, લુન્ગી ઍન્ગિડી, ડેન પેટરસન, કેશવ મહારાજ અને સેનુરૅન મુથુસામી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button