સ્પોર્ટસ

કૅપ્ટન કમિન્સે છેવટે હરીફ સુકાની બવુમાની વિકેટ લીધી

લંચ-બ્રેક વખતે સાઉથ આફ્રિકાના પાંચ વિકેટે 121 રન

લંડનઃ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ત્રીજી સીઝનની ફાઇનલ પહેલા જ દિવસથી લો-સ્કોરિંગ બની અને એમાં બોલર્સે કુલ 14 વિકેટ લઈને રાજ કર્યું ત્યારે બીજા દિવસે ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન અને પેસ બોલર પૅટ કમિન્સે પણ એક પરાક્રમ કરીને બોલર્સનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું જેમાં તેણે ખાસ કરીને હરીફ ટીમ સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમા (Temba Bavuma)ની વિકેટ લઈને તેની લડતનો અંત લાવી દીધો હતો.

ઑસ્ટ્રેલિયા બુધવારના પ્રથમ દિવસે 212 રનના સ્કોર પર આઉટ થઈ ગયું હતું અને સાઉથ આફ્રિકાની ટીમ ગુરુવારે છેક 45મી ઓવરના અંતે 100 રનના આંકડા પર પહોંચી હતી અને ત્યાં સુધીમાં બવુમાની ટીમે પોતાના સહિત પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. લંચ-બ્રેક વખતે સાઉથ આફ્રિકાનો સ્કોર પાંચ વિકેટે 121 રન હતો અને ઑસ્ટ્રેલિયાથી હજી તેઓ 91 રન પાછળ હતા.

આ પણ વાંચો: ડબ્લ્યૂટીસીના પહેલા દિવસે બોલર્સનું રાજઃ રબાડા-યેનસેન પછી સ્ટાર્ક ત્રાટક્યો…

સાઉથ આફ્રિકાની ઇનિંગ્સમાં 40મી ઓવર કમિન્સે (Pat Cummins) કરી હતી જેના બીજા બૉલમાં તેણે હરીફ સુકાની બવુમાને કૅચઆઉટ કરાવ્યો હતો. બવુમા 17 રન પર હતો ત્યારે ડીઆરએસમાં તેને જીવતદાન મળ્યું હતું, પણ 36 રનના સ્કોર પર હતો ત્યારે ઑફ સ્ટમ્પની જરાક બહાર પડેલા અને વધુ દૂર જઈ રહેલા બૉલને કવરમાં મોકલવાના પ્રયાસમાં બવુમા કૅચ આપી બેઠો હતો. માર્નસ લબુશેને જમણી દિશામાં ડાઇવ મારીને બન્ને હાથે બૉલને પોતાના કબજામાં કર્યો હતો અને બવુમા પૅવિલિયન તરફ ચાલવા લાગ્યો હતો. ત્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર પાંચ વિકેટે 94 રન હતો.

બવુમાએ 84 બૉલમાં એક સિક્સર અને ચાર ફોરની મદદથી 36 રન કર્યા હતા. ટીમના સ્કોરમાં તેનું રનની દૃષ્ટિએ મોટું યોગદાન નહોતું, પરંતુ તેણે ત્રણ ભાગીદારી કરી હતી જેમાંથી બે ભાગીદારી બૉલની સંખ્યાની દૃષ્ટિએ લાંબી હતી અને ત્રીજી ભાગીદારી બૉલ અને રન, બન્ને રીતે મોટી હતી. બવુમાએ વિઆન મુલ્ડર (છ રન) સાથે 40 બૉલમાં છ રનની અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (બે રન) સાથે 30 બૉલમાં પાંચ રનની ભાગીદારી કરી હતી. ત્યાર પછી ડેવિડ બેડિંગમ (39 નૉટઆઉટ) સાથે બવુમાની 114 બૉલમાં 64 રનની પાર્ટનરશિપ થઈ હતી.

આ પણ વાંચો: કાઇલ વેરેનીનો અફલાતૂન ડાઇવિંગ કૅચ, ઍલેક્સ કૅરીએ `ઝાડુ’ મારવા જતાં ગુમાવી વિકેટ

આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે લંચ બે્રક થયો હતો અને સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવનો સ્કોર પાંચ વિકેટે 121 રન હતો. બેડિંગમ 39 રન પર અને વિકેટકીપર કાઇલ વેરેની 11 રને રમી રહ્યો હતો.

પાંચમાંથી બે-બે વિકેટ મિચલ સ્ટાર્ક તથા પૅટ કમિન્સે અને એક વિકેટ જૉશ હૅઝલવૂડે લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button