સ્પોર્ટસ

ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પહેલા ગાંગુલીએ ભારતીય ટીમને ચેતવણી આપી; પંતને આપી સલાહ…

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના મોટાભાગના ખેલાડીઓ અગામી બે મહિના સુધી IPL 2025માં T20 ક્રિકેટ રમતા જોવા મળશે, 25 મેના રોજ IPL ફાઈનલ મેચ રમાયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે ઇંગ્લેન્ડ જવા રવાના (IND vs Eng Test Series) થશે. 20 જુનથી સિરીઝની પહેલી ટેસ્ટ મેચ રમાશે, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સિરીઝ હાર બાદ ભારતીય ટીમ (Indian Cricket Team) માટે આ સિરીઝ ખુબ જ મહત્વની રહેશે. એ પહેલા ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલી(Saurav Ganguli)એ ભારતીય ટીમને ચેતવણી આપી છે.

આ પણ વાંચો :રિષભ પંતે ગાવસકરની ‘સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ…’ કમેન્ટનો આ રીતે ફાયદો ઉઠાવ્યો…

સૌરવ ગાંગુલીએ કહ્યું કે કે ઋષભ પંત અને શુભમન ગિલ જેવા ખેલાડીઓએ આ સિરીઝમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી પડશે. એક ઈન્ટરવ્યુંમાં ગાંગુલીએ ચિંતા વ્યક્ત કરી હતી કે વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ સિવાય કોઈ પણ ખેલાડીની ભારત બહાર એવરેજ 40 થી વધુની નથી. જો ભારત ફરીથી ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું હશે તો ટોચના છ બેટર્સમાંથી ઓછામાં ઓછા ચારની ટેસ્ટ ક્રિકેટમાં એવરેજ 50થી વધુની હોવી જરૂર છે.

પંતને આપી સલાહ:
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રિષભ પંતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ગાંગુલીએ કહ્યું,”ઋષભ પંતે પરફોર્મ કરવું પડશે. તમે હંમેશા સ્વિંગ કરતા રહીને ટેસ્ટ ક્રિકેટમાં સારો સ્કોર ન બનાવી શકો. વિરાટ કોહલી બેસ્ટ છે અને મને નથી લાગતું કે તે ઇંગ્લેન્ડમાં નિષ્ફળ જશે. યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને ઋષભ પંતે સારું પ્રદર્શન કવું પડશે.”

મોટો સ્કોર બનાવવાની જરૂર:
ગાંગુલીએ કહ્યું કે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ જીતવા માટે મોટા રન બનાવવા જરૂરી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ એક પર્થમાં જ મેચ જીતી શકી હતી, કારણ કે ટીમે બીજી ઇનિંગમાં 400 થી વધુ રન બનાવ્યા હતા.

ગાંગુલીએ કહ્યું કે “આપણે ઈંગ્લેન્ડમાં મેચ જીતી શકીએ છીએ, પરંતુ બેટ્સમેનોએ સ્કોર 400-500 રન સુધી લઈ જવો પડશે. અમે ઈંગ્લેન્ડમાં જીત મેળવી હતી, ઓસ્ટ્રેલિયામાં અમે શ્રેષ્ઠ ટીમ સામે 1-1 થી સિરીઝ ટાઈ કરી, અમે પાકિસ્તાનમાં જીત મેળવી કારણ કે અમે 600 રન બનાવી રહ્યા હતા.”

તેમણે કહ્યું કે “અમે મુલતાનમાં 600, લાહોરમાં 400 અને રાવલપિંડીમાં 700 રન બનાવ્યા. બ્રિસ્બેનમાં અમારો સ્કોર 500, એડિલેડમાં 500 અને સિડનીમાં 700 હતો. ટેસ્ટ મેચ જીતવા માટે તમારે બોર્ડ પર મોટા રન ખડકવા પડશે. તમે 200, 250 કે 180 રન બનાવીને ટેસ્ટ મેચ ન જીતી શકો.”

આ પણ વાંચો : કોહલીને સૌથી વધુ ક્યા બોલર સામે રમવામાં મુશ્કેલી પડે છે, જાણો છો?

ભારત બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમ સામે પાંચ ટેસ્ટ મેચ રમશે, આ સિરીઝ 2025/27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી સાઈકલની શરૂઆત હશે. ભારતીય ટીમ 2007 પછી ઇંગ્લેન્ડમાં પોતાની પહેલી ટેસ્ટ સિરીઝ જીતવાનું લક્ષ્ય રાખશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button