ગાંગુલીની ટી-શર્ટ લહેરાવવાની ઘટનાએ જોફ્રા આર્ચરને પ્રેરણા આપી: બેન સ્ટોક્સનો ખુલાસો…

લંડનઃ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ખુલાસો કર્યો હતો કે 2002માં ઈંગ્લેન્ડ પર ભારતની ઐતિહાસિક જીત બાદ સૌરવ ગાંગુલીએ લોર્ડ્સની બાલ્કનીમાં પોતાની ટી-શર્ટ લહેરાવીને સેલિબ્રેશન કર્યું હતું, જેનાથી જોફ્રા આર્ચરને ત્રીજી ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળી હતી. એટલે જોફ્રા આર્ચરને મેચમાં સારા પ્રદર્શન માટે સૌરવ ગાંગુલીની પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું.
નેટવેસ્ટ ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતની જીતની ઉજવણી કરતા ગાંગુલીએ પોતાની ટી-શર્ટ ઉતારી હતી અને તે આજ સુધીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સૌથી નાટકીય ક્ષણોમાંની એક છે. આર્ચરે સોમવારે ત્રીજી ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે ખતરનાક ઋષભ પંતને બોલ્ડ કર્યો હતો. ભારત 22 રનથી મેચ હારી ગયું હતું.
સ્ટોક્સે મેચ પછી પત્રકારોને કહ્યું હતું કે, “મેં આજે સવારે તેને કહ્યું હતું કે, ‘તું જાણે છે કે આજે શું છે. તેણે મને કહ્યું હતું કે તે દિવસે ભારતે 300થી વધુ રન કરીને જીત હાંસલ કરી હતી અને ગાંગુલીએ પોતાનો શર્ટ લહેરાવ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે તે વર્લ્ડ કપની ફાઇનલ હતી અને આ ઘટનાને આજે છ વર્ષ થઈ ગયા છે.”
રસપ્રદ વાત એ છે કે, ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં પોતાની જીત નોંધાવી હતી તે જ દિવસે તેઓ 2019 વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં સ્કોર બરાબર થયા બાદ બાઉન્ડ્રી કાઉન્ટના આધારે ન્યૂ ઝીલેન્ડ સામે જીત્યા હતા. જોકે, જ્યારે સ્ટોક્સે છ વર્ષ પહેલા આર્ચરને તે મહત્વપૂર્ણ દિવસની યાદ અપાવી ત્યારે ફાસ્ટ બોલરને 17 વર્ષ પહેલા બનેલી ગાંગુલીની ક્ષણ યાદ આવી ગઈ હતી.
સ્ટોક્સે કહ્યું હતું કે, “હું તે દિવસ વિશે વાત કરી રહ્યો હતો જ્યારે આપણે વર્લ્ડ કપ જીત્યા હતા પરંતુ તે કહી રહ્યો હતો, ‘તે દિવસ’ ખરેખર એક અદભૂત છોકરો છે. નાના લક્ષ્ય સામે ઋષભ પંતની વિકેટ ખરેખર મહત્વપૂર્ણ હતી. મને વિશ્વાસ હતો કે જોફ્રા આજે કંઈક એવું કરશે જે મેચમાં અંતર લાવશે.”
ઈજા બાદ પરત ફરેલા સ્ટોક્સે ભારત પર દબાણ જાળવી રાખવા માટે 9.2 ઓવર અને 10 ઓવરનો સ્પેલ પૂરો કર્યો હતો. સ્ટોક્સે કહ્યું હતું કે તે 23 જૂલાઈથી માન્ચેસ્ટરમાં શરૂ થનારી ચોથી ટેસ્ટ માટે ફિટ થઈ જશે. હું માન્ચેસ્ટરમાં રમાનારી ટેસ્ટ મેચ માટે સંપૂર્ણપણે ફિટ થઈશ. તે મેચ પહેલા અમને આરામ કરવાની પૂરતી તક મળશે.”
મેચ દરમિયાન ખેલાડીઓ વચ્ચેની ટકરાવ પર સ્ટોક્સે કહ્યું હતું કે મને લાગે છે કે આટલી મોટી શ્રેણીમાં હંમેશા એવો સમય આવે છે જ્યારે બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે ટકરાશે. હું આ સ્વીકારું છું પરંતુ શરત એટલી હોવી જોઇએ કે તેમાં કોઇ મર્યાદા ઓળંગે નહીં. મને નથી લાગતું કે અમારી કે ભારતીય ટીમે કોઈ પણ રીતે મર્યાદા ઓળંગી છે.