સૌરવ ગાંગુલીનો AI ‘માસ્ટરસ્ટ્રોક’: હવે દરેક ખેલાડીને મળશે 24×7 પર્સનલ ક્રિકેટ કોચિંગ…

કોલકાતા: ભારતના પૂર્વ કેપ્ટન અને ‘ક્રિકેટરના દાદા’ તરીકે લોકપ્રિય સૌરવ ગાંગુલીએ ક્રિકેટની દુનિયામાં નવી ક્રાંતિનો આગાઝ કર્યો છે. યુકે સ્થિત AI ક્રિકેટ કોચિંગ પ્લેટફોર્મ Kabuni સાથે હાથ મિલાવ્યો છે. આ પ્લેટફોર્મ ખેલાડીઓને તેમના ફોન પર જ પર્સનલ કોચિંગ આપશે – એ પણ ખૂબ જ ઓછા ખર્ચે!
શું છે Kabuni?
Kabuni એ એક અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને લાર્જ લેંગ્વેજ મોડલ પ્લેટફોર્મ છે, જે દાયકાઓના ક્રિકેટ ડેટા, ખેલાડીઓની હિલચાલ અને કોચિંગ જ્ઞાનમાંથી શીખે છે. કંપનીના નિવેદનમાં જણાવાયું છે કે, “આ પ્લેટફોર્મ કવર ડ્રાઇવથી લઈને બોલિંગ એક્શન સુધીની દરેક હિલચાલનું માપન આપી શકે છે અને વીડિયો, ફોટો, ટેક્સ્ટ કે વૉઇસ દ્વારા તાત્કાલિક ફીડબેક આપે છે.”

આ મામલે સૌરવ ગાંગુલીએ કહ્યું, “આજના યુવાનોને વર્લ્ડ ક્લાસ કોચિંગ મળે એ જ મારું સપનું છે. Kabuni દરેક ગલી-મોહલ્લાના બાળકને વિરાટ કોહલી કે રોહિત શર્મા જેવું કોચિંગ આપી શકે છે – એ પણ તેના ફોનમાં જ.” તેણે ઉમેર્યું કે આ ટેક્નોલોજી ભારતના દૂર-દૂરના ગામડાઓમાં પણ ક્રિકેટની પ્રતિભાને ઉજાગર કરશે.
કેવી રીતે કામ કરશે Kabuni?
ખેલાડીએ પોતાની પ્રેક્ટિસનો વીડિયો અપલોડ કરવાનો રહેશે. Kabuni તેને સેકન્ડમાં જ વિશ્લેષણ કરીને બતાવશે કે તમારું ફૂટવર્ક ક્યાં ખોટું છે, બૅકલિફ્ટ કેમ ઊંચું થાય છે કે બોલ કેમ સ્વિંગ નથી થતો. આ સુવિધા મોબાઇલ એપ કે Kabuniના ખાસ ડિવાઇસ દ્વારા મળશે. હવે કોચની રાહ જોવાની જરૂર નહીં – તમારો AI કોચ 24×7 તૈયાર છે!
આ પણ વાંચો…પુરીમાં સ્પીડબોટ પલટી; સૌરવ ગાંગુલીના ભાઈ-ભાભી મોતને હાથતાળી આપી પાછા ફર્યા



