તો શું પાકિસ્તાનનો આ ફાસ્ટ બોલર કરશે બીજા લગ્ન!…
ઇસ્લામાબાદઃ એશિયા કપમાં હરીફ ટીમોની વિકેટો ખેરવી દેનાર પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ફરીથી લગ્ન કરવા જઈ રહ્યો છે. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીની પુત્રી અંશા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે એક ખાનગી સમારોહ હતો અને લગ્નમાં માત્ર થોડા જ લોકો હાજર રહ્યા હતા. તેમના આ લગ્નમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને વાઇસ કેપ્ટન શાદાબ ખાન પણ સામેલ થયા હતા. હવે તેઓ ખૂબ જ ધામધૂમથી લગ્ન કરશે. તેમના આ લગ્ન સમારંભમાં પાકિસ્તાની ટીમના સાથી ખેલાડીઓ ઉપરાંત બંને પરિવારના સંબંધીઓ અને મિત્રો પણ ભાગ લેશે. શાહીન અને અંશાના બીજા લગ્ન એશિયા કપના ફાઈનલના બે દિવસ પછી એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમારોહ કરાચીમાં યોજાશે અને 2 દિવસ પછી ઇસ્લામાબાદમાં વાલીમા યોજાશે.
શાહીન આફ્રિદી એશિયા કપમાં શાનદાર બોલિંગ કરી રહ્યો છે. વરસાદના કારણે રદ્દ થયેલી મેચમાં તેણે ભારત સામે 4 વિકેટ ઝડપી હતી. આ પહેલા આફ્રિદીએ નેપાળ સામેની મેચમાં પણ 2 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ સામેની સુપર-4 મેચમાં તેણે 42 રન આપીને 1 વિકેટ લીધી હતી. પાકિસ્તાનને સુપર-4માં વધુ બે મેચ રમવાની છે અને જો તે વધુ એક મેચ જીતી જશે તો તે ફાઈનલ રમશે તે નિશ્ચિત થઈ જશે. પાકિસ્તાનની સુપર-4 રાઉન્ડની બીજી મેચ 10 સપ્ટેમ્બરે ભારત સામે થશે.