સ્મૃતિ મંધાનાની સેન્ચુરી એળે ગઈ, ભારતનો 0-3થી વાઇટ-વૉશ થયો
પર્થઃ આ શહેરના પર્થ સ્ટેડિયમમાં બે અઠવાડિયા પહેલાં જસપ્રીત બુમરાહના સુકાનમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને 295 રનના તોતિંગ માર્જિનથી હરાવ્યું હતું, પરંતુ આજે એ જ શહેરના ઐતિહાસિક ડબ્લ્યૂ.એ.સી.એ. ગ્રાઉન્ડ પર હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં ભારતની મહિલા ટીમ ઑસ્ટ્રેલિયા વિમેન્સ ટીમ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં પણ હારી જતાં ઑસ્ટ્રેલિયાએ 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. ઓપનર સ્મૃતિ મંધાના (105 રન, 109 બૉલ, 150 મિનિટ, એક સિક્સર, 14 ફોર)ની નવમી વન-ડે સેન્ચુરી પાણીમાં ગઈ હતી.
ભારતીય ટીમ 299 રનના લક્ષ્યાંક સામે 45.1 ઓવરમાં 215 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં હરમનની ટીમનો 83 રનથી પરાજય થયો હતો. હર્લીન દેઓલના 39 રન ટીમમાં બીજો નંબરનો સૌથી મોટો સ્કોર હતો. ઑફ-સ્પિનર એશ્લેઇ ગાર્ડનરે 30 રનમાં પાંચ વિકેટ લઈને ભારતને વિજયથી વંચિત રાખ્યું હતું. કૅપ્ટન હરમનપ્રીત 12 રન બનાવી શકી હતી.
આપણ વાંચો: રવિવારની પાકિસ્તાન સામેની મૅચ પહેલાં ભારતની મહિલા ટીમ માટે ખતરો કેમ થોડો વધી ગયો?
એ પહેલાં, ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ મળ્યા પછી છ વિકેટે 298 રન બનાવ્યા હતા જેમાં ઍનાબેલ સધરલૅન્ડ (110 રન, 95 બૉલ, 147 મિનિટ, ચાર સિક્સર, નવ ફોર) ટૉપ-સ્કોરર હતી. ઍશ્લેઇ ગાર્ડનર (50 રન)એ અને કૅપ્ટન તાહલિયા મૅક્ગ્રા (અણનમ 56)એ હાફ સેન્ચુરી ફટકારી હતી,
ભારતીય પેસ બોલર અરુંધતી રેડ્ડીએ ફક્ત 26 રનમાં ચાર વિકેટ લીધી હતી, પરંતુ તેનો પર્ફોર્મન્સ પણ છેવટે એળે ગયો હતો.
ભારત સિરીઝની પહેલી બન્ને વન-ડેમાં પરાજિત થઈ હતી.