IND VS WI: સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
વડોદરા: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાઈ રહી છે. વડોદરા ખાતે રમાયેલી આ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 314 રન કર્યા હતા. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ શાનદાર 91 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે ભારતીય ટીમ આટલા મોટા સ્કોર સુધી પહોંચી શકી હતી.
મંધાનાએ પ્રથમ વિકેટ માટે પ્રતિકા રાવત સાથે 110 રન અને બીજી વિકેટ માટે હરલીન દેઓલ સાથે 50 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં તે સદી ફટકારવામાં ચૂકી ગઈ હતી. જોકે સ્મૃતિ મંધાના ભલે આ મેચમાં સદી ચૂકી ગઇ હોય પરંતુ તેણે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ વનડે મેચમાં એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે મહિલા આંતરરાષ્ટ્રીય મેચમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બની ગઈ છે.
આ પણ વાંચો : સ્મૃતિ મંધાનાની સેન્ચુરી એળે ગઈ, ભારતનો 0-3થી વાઇટ-વૉશ થયો
તેણે વર્ષ 2024માં 1602 રન કર્યા છે. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડના નામે હતો. તેણે આ વર્ષે આ રેકોર્ડ પણ બનાવ્યો હતો. વર્ષ 2024માં તેના નામે કુલ 1593 રન નોંધાયેલા છે.
મહિલા ક્રિકેટના ઈતિહાસમાં એક વર્ષમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ હવે મંધાનાના નામે છે. તેણે 2024માં તમામ ફોર્મેટમાં 1602 રન કર્યા છે. ભારતના વાઇસ કેપ્ટને 5 સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. ભારતે 2024માં વધુ બે વનડે મેચ રમવાની છે અને મંધાના 1700 રનનો આંકડો પણ પાર કરી શકે છે.
1346 રન સાથે નેટ સાયવર-બ્રન્ટ ત્રીજા સ્થાને છે. ઈંગ્લેન્ડની આ બેટ્સમેને 2022માં 1346 રન કર્યા હતા. મંધાના ચોથા અને પાંચમા સ્થાને છે. તેણીએ 2018માં 1291 રન અને 2022માં 1290 રન કર્યા હતા.