ICC બેટીંગ રેન્કિંગમાં આ ભારતીય ખેલાડીએ ટોચનું સ્થાન મેળવ્યું

મુંબઈ: મેન્સ ક્રિકેટમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતની મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહી છે, હાલ ODI અને T20 ક્રિકેટ બંને ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ત્રીજા સ્થાને છે. એવામાં ભારતીય ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના ICC ODI મહિલા બેટિંગ રેન્કિંગમાં ફરી એકવાર પહેલા નંબરે પહોંચી ગઈ છે.
બે અઠવાડિયા બાદ ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ શરૂ થવાનો છે એ પહેલા સ્મૃતિ મંધાનાએ આ ઉપલબ્ધી મેળવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) દ્વારા તાજેતરમાં જાહેર કરેલી રેન્કિંગમાં સ્મૃતિ 1 સ્થાન આગળ આવીને પહેલા ક્રમે આવી ગઈ છે, સ્મૃતિ પાસે 735 રેટિંગ પોઈન્ટ છે. સ્મૃતિએ ઇંગ્લેન્ડની કેપ્ટન નેટ સિવર-બ્રન્ટને પાછળ છોડી દીધી છે.
ઓસ્ટ્રેલિયા સામે સમાઈ રહેલી ત્રણ ODI મેચની સિરીઝની પહેલી મેચમાં સ્મૃતિ મંધાનાની 58 રનની ઇનિંગ રમી હતી, આ ઇનિંગને કારણે સ્મૃતિને 7 રેટિંગ પોઇન્ટ મળ્યા અને તે ઇંગ્લેન્ડની કેપ્ટન સિવર-બ્રન્ટથી ચાર પોઇન્ટ આગળ નીકળી ગઈ.
અગાઉ સ્મૃતિ જૂન-જુલાઈ 2025માં પણ ODI બેટિંગ રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું હતું. આ પહેલા પણ વર્ષ 2019માં પણ તે નંબર-1 પર પહોંચી હતી.
હાલની ODI બેટીંગ રેન્કિંગના ટોપ 10માં સ્મૃતિ એક માત્ર ભારતીય ખેલાડી છે. ભારતીય ટીમની પ્રતિકા રાવલ ચાર સ્થાન ઉપર આવીને 42મા સ્થાને પહોંચી છે, જ્યારે હરલીન દેઓલને પાંચ સ્થાનનો ફાયદો થયો છે, હાલ તે 43મા સ્થાન પર છે.