All Sports News : સ્મૃતિ મંધાનાની ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં મિતાલી રાજ જેવી મોટી સિદ્ધિ: ભારતના આઠ વિકેટે 265 રન

બેન્ગલૂરુ: ભારતની જગવિખ્યાત ઓપનિંગ બૅટર સ્મૃતિ મંધાના (Smriti Mandhana)એ રવિવારે બેન્ગલૂરુમાં મહત્ત્વની સિદ્ધિ મેળવી હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7,000 રન પૂરા કરનારી મિતાલી રાજ પછીની બીજી ભારતીય મહિલા ખેલાડી બની હતી. મિતાલીના નામે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં 10,868 રન છે અને સ્મૃતિથી માત્ર મિતાલી આગળ છે. હરમનપ્રીત કૌર 6,870 રન સાથે ત્રીજા નંબરે છે.
સ્મૃતિએ રવિવારે સાઉથ આફ્રિકા સામેની વન-ડે દરમ્યાન આ અનેરી સિદ્ધિ મેળવી હતી. તેણે છઠ્ઠી વન-ડે સદી (117 રન, 127 બૉલ, એક સિક્સર, બાર ફોર) ફટકારી હતી. ઘરઆંગણે તેની આ પહેલી જ વન-ડે સદી હતી.
આ પણ વાંચો : IPL: વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાનાએ આરસીબીની નવી જર્સી કરી લોન્ચ
ભારતે સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ વન-ડેમાં બૅટિંગ પસંદ કરી હતી અને 50 ઓવરમાં આઠ વિકેટે 265 રન બનાવ્યા હતા જેમાં દીપ્તિ શર્માના 37 રન સેક્ધડ-હાઇએસ્ટ હતા. સ્મૃતિની સદી સામે બીજી કોઈ ભારતીય બૅટરની હાફ સેન્ચુરી પણ નહોતી. કૅપ્ટન હરમનપ્રીત કૌર 10 રન અને ઓપનર શેફાલી વર્મા સાત રન બનાવીને આઉટ થઈ હતી. સાઉથ આફ્રિકાની પેસ બોલર આયાબૉન્ગા ખાકાએ સૌથી વધુ ત્રણ વિકેટ અને મસાબાતા ક્લાસે બે વિકેટ લીધી હતી.
ભારતની એક તબક્કે 99 રનમાં પાંચ વિકેટ હતી, પરંતુ સ્મૃતિએ સામા છેડાની એક પછી એક બૅટર સાથે નાની-માટી ભાગીદારી કરીને ભારતને 250-પ્લસનો સ્કોર અપાવ્યો હતો. સ્મૃતિ છેક 47મી ઓવરમાં આઉટ થઈ હતી. ખાસ કરીને દીપ્તિ સાથે તેની છઠ્ઠી વિકેટ માટેની 81 રનની ભાગીદારી હરીફ ટીમને ભારે પડી ગઈ હતી.