સેન્ચુરિયન સ્ટીવ સ્મિથને કમનસીબી નડી, જુઓ કેવી વિચિત્ર રીતે ક્લીન બોલ્ડ થયો!
મેલબર્ન: બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં આ વખતે ભારત સામે ટ્રેવિસ હેડની ભૂમિકા સ્ટીવ સ્મિથે ભજવી. આ સિરીઝની શરૂઆતની મૅચોમાં ટ્રેવિસ હેડે ઉપરાઉપરી સદી ફટકારીને ઑસ્ટ્રેલિયાને મુશ્કેલીમાંથી ઉગાર્યું હતું તો અહીં મેલબર્નની ચોથી ટેસ્ટમાં સ્ટીવ સ્મિથે 140 રન બનાવીને ટીમને 454 રનનો મોટો સ્કોર અપાવ્યો હતો. જોકે પેસ બોલર આકાશદીપના એક બૉલમાં તે વિચિત્ર રીતે આઉટ થયો હતો.
35 વર્ષનો સ્ટીવ સ્મિથ અસલ ફોર્મમાં આવી ગયો છે. તેણે અહીં ચોથી ટેસ્ટના બીજા દિવસે પહેલા દાવમાં 197 બૉલમાં ત્રણ સિક્સર અને 13 ફોરની મદદથી 140 રન બનાવ્યા હતા. ઘણા સમયથી તે સારા ફોર્મમાં ન હોવાથી તેની ખૂબ ટીકા થતી હતી. જોકે ભારત સામેની સિરીઝમાં તેણે કરીઅરમાં કમબૅક કર્યું છે. ગૅબાની ત્રીજી ટેસ્ટમાં તેણે પહેલા દાવમાં સેન્ચુરી (101 રન) ફટકારી હતી.
મેલબર્નમાં સ્ટીવ સ્મિથે ભારતીય બોલર્સનો ખૂબ સમજદારીથી સામનો કર્યો હતો. એક તબક્કે એવું લાગતું હતું કે તેને મુસીબતમાં મૂકવા ભારતીય બોલર્સ પાસે એકેય તરકીબ જ નહોતી. ગુરુવારના પહેલા દિવસે સ્મિથ 68 રને નૉટઆઉટ હતો અને શુક્રવારે તેણે એ જ આત્મવિશ્વાસ સાથે આગળ રમવાનું શરૂ કર્યું હતું.
જોકે ઑસ્ટ્રેલિયાની ઈનિંગ્સમાં 115મી ઓવર જે આકાશ દીપે કરી હતી એના પહેલા બૉલમાં સ્મિથ વિચિત્ર રીતે આઉટ થયો હતો. ઓવરની શરૂઆત વખતે ઑસ્ટ્રેલિયાનો સ્કોર આઠ વિકેટે ૪૫૫ રન હતો.
Also Read – IND vs AUS: ટીમ ઈન્ડિયાએ આપી પૂર્વ વડાપ્રધાનને શ્રધ્ધાંજલી; કાળી પટ્ટી સાથે ઉતર્યા મેદાન પર…
સ્મિથને ભાગ્યનો સાથ નહોતો મળ્યો. આકાશદીપના એ પહેલા બૉલમાં તેણે બિગ શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેના બૅટના અંદરના ભાગની કટ લાગ્યા બાદ બૉલ ખુદ સ્મિથના પગના પાછળના ભાગને લાગ્યો હતો અને પછી સીધો સ્ટમ્સમાં જતો રહ્યો હતો. એમાં સ્મિથ ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.
સ્મિથના સ્ટમ્પ્સની એક બેલ પડી ગઈ હતી જે તેને આઉટ જાહેર કરવા માટે પૂરતું હતું. સ્મિથ ક્રીઝની એટલો બધો બહાર નીકળી ગયો હતો કે બૉલને સ્ટમ્પ્સમાં જતો રોકી શકવાનું પણ તેના માટે શક્ય નહોતું.